Site icon Revoi.in

મહારાષ્ટ્રથી ગુજરાત આવતી એસટી બસના તમામ મુસાફરોનો થશે કોરોના ટેસ્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દરમિયાન ગુજરાત એસટી દ્વારા મહારાષ્ટ્રથી આવતી તમામ બસના મુસાફરોનો કોરોના ટેસ્ટ થશે. મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વકર્યું છે. સાબદા બનેતા તંત્ર દ્વારા સરહદ ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને પ્રવાસીઓની તપાસ કરવામાં આવે છે. હવે ST બસ મારફતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્રમાં વધુ સંક્રમણ હોવાથી ST વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં ત્રણ પોઇન્ટ નિર્જર, ઉછલ અને સોનગઠ પરથી પ્રવેશ થયા છે. આ ત્રણેય પોઇન્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. STના તમામ મુસાફરોના ટેસ્ટ માટે બુથ ગોઠવાયા છે. ટેસ્ટ બાદ જ ગુજરાતમાં મુસાફરને એન્ટ્રી આપવામાં આવે છે.

સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. જેથી મનપા તંત્ર દ્વારા સઘન સર્વે અને ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં હવે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસોનો અલગ રેકોર્ડ રખાશે. મહારાષ્ટ્રની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનારની અલગ નોંધ કરાશે. ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસના સેમ્પલ પુણે અને ગાંધીનગર લેબમાં મોકલાશે. સિવિલ અને સ્મીમેરમાં અલગ રેકોર્ડ રાખવા સૂચના આપવામાં આવી છે.