Site icon Revoi.in

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાની અસર હજુ 24 કલાક રહેશેઃ લોકોને સાવચેત રહેવા અપિલ

Social Share

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાંથી પસાર થયા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ જશે. ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં વાવાઝોડાની હજુ 24 કલાક અસર રહેશે. ઉત્તર ગુજરાતમાંથી વાવાઝોડુ રાજસ્થાનમાં પ્રવેશ કરશે.

રાજ્યના હવામાન વિભાગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તાઉ’તે’ વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે. જે કલાકના 7 કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે.વાવાઝોડું પસાર થઇ રહ્યું છે ત્યાં તારાજી સર્જી રહ્યું છે. અમરેલીના રાજુલામમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે મોટાભાગના માર્ગો બંધ થયા હોવાના અહેવાલ છે. ગઈકાલે દીવ વણાકબોરીમાં વાવાઝોડું ટકરાયું ત્યારે તેમા પવનની ગતિ 165થી 170 કિ.મીની હતી જે હવે બોટાદની પસાર કરી અમદાવાદ તરફ આગળ વધતા તેની ગતિ 100 કિ.મીની થઈ ગઈ છે.

હજી પણ પવનની ગતિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યું છે. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હઈ છે. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.