Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીએ LLM સેમેસ્ટર-3ની પરીક્ષાના 4 દિવસ પહેલા જાણ કરાઈ, પરીક્ષા પાછી ઠેલવા માગ

Social Share

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઘણીબધી યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ પણ પાછો ઠેલ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી 1લી ફેબ્રુઆરીથી એલએલએમ સેમેસ્ટર-3ની પરીક્ષા શરૂ થશે. પરીક્ષા માટે ગુજરાત યુનિવર્સિટીએ 27 જાન્યુઆરીએ જ પરિપત્ર દ્વારા જાણ કરી છે.પરીક્ષાના 4 દિવસ અગાઉ જ પરીક્ષા અંગે જાણ કરાતા વિદ્યાર્થીઓ તૈયાર ન હોવાને કારણે પરીક્ષા મોકૂફ રાખીને નવી તારીખ આપવા માંગણી કરવામાં આવી છે. તે ઉપરાંત NSUIએ પણ પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીએ 27 જાન્યુઆરીએ પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી એલએલએમ સેમેસ્ટર 3 ની પરીક્ષા હોવાનું જણાવ્યું હતું. એકાએક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે. આ પરિસ્થિતિમાં પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તથા અમદાવાદ બહાર રહેતા વિદ્યાર્થીઓ અમદાવાદ આવે તથા પરીક્ષા દરમિયાન રહેવાની વ્યવસ્થા સહિતના પ્રશ્નો ઉભા થયા છે. જેને લઈને એનએસયુઆઈએ પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી કરી છે.

આ અંગે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે એક તરફ કોરોના છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અચાનક જ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે જેની વિદ્યાર્થીઓને અપેક્ષા પણ નહોતી. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયાર પણ નથી. 4 દિવસમાં તૈયારી કરીને પરીક્ષા આપવી મુશ્કેલ છે જેથી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખીને પાછી ઠેલવામાં આવી તેવી અમારી માંગણી છે જેથી વિદ્યાર્થીઓ આગોતરું આયોજન કરી શકે. આ અંગે વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટીના કુલપતિને રજુઆત પણ કરી છે.

Exit mobile version