Site icon Revoi.in

દિવાળીનું વેકેશન 21 દિવસનું કરાતા ગુજરાત યુનિ.ને 30 જેટલી પરીક્ષાઓ પાછી ઠેલવાની ફરજ પડી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળમાં શિક્ષણ કાર્યના દિવસો ઘટ્યા હોવાને લીધે પહેલા દિવાળી વેકેશન 13 દિવસનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી વિવધ ક્ષેત્રોમાં દિવાળી વેકેશન વધારવાની રજુઆતો મળતા શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ દિવાળી વેકેશન લંબાવીને 21 દિવસનું કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં વેકેશન લંબાવવાથી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવો પડ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે પરીક્ષાઓ 16મી નવેમ્બરથી શરૂ થતી હતી તેવી 30 જેટલી પરીક્ષાઓ હવે 24 નવેમ્બરે લેવામાં આવશે. રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં ચાલુ વર્ષે 13 દિવસની જગ્યાએ 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેથી યુનિવર્સિટીમાં હવે વેકેશન બાદ કોલેજો શરૂ થતાંની સાથે જ પરીક્ષાનું આયોજન કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ઉચ્ચ શિક્ષણમાં 13 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવતું હતું. આ વર્ષે પણ 13 દિવસના વેકેશનની ગણતરી કરીને ગુજરાતની યુનિવર્સિટીઓએ પોતાના એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી હતી. અધ્યાપક મંડળની માંગણીના અનુસંધાનમાં શિક્ષણ વિભાગે ચાલુ વર્ષે 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરી હતી. યુનિવર્સિટીઓએ 13 દિવસના વેકેશન પ્રમાણે નવેમ્બર માસમાં જુદી જુદી પરીક્ષાનું આયોજન કર્યું હતું. હવે વેકેશન લંબાવવામાં આવતાં ગુજરાત યુનિવર્સિટીએ 16મી નવેમ્બરથી શરૂ થતી BCOM, BA, BSC, BBA, BCA સેમેસ્ટર 5 અને B ED, MCOM સેમેસ્ટર 3 સહિતની પરીક્ષાઓ હવે 24મી નવેમ્બરે લેવામાં આવશે. આવી જ રીતે BA, BCOM BSC, BBA, BCA, સેમેસ્ટર 3ની 30મી નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષાઓ હવે 3 ડિસેમ્બરથી લેવામાં આવશે. આમ માત્ર ગુજરાત યુનિવર્સિટીની જુદી જુદી 30થી વધુ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, માત્ર ગુજરાત યુનિવર્સિટી નહીં રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પણ દિવાળી વેકેશનના થયેલા ફેરફારના કારણે પરીક્ષા સહિતના જુદા જુદા કાર્યક્રમોમાં ફેરફાર કરવા પડ્યા છે. યુનિવર્સિટીએ હાલમાં વેબસાઈટ પર નવી તારીખો જાહેર કરી દીધી છે. જો કે પહેલા સેમેસ્ટરમાં હાલ પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. આ સ્થિતિમાં પહેલા સેમેસ્ટર માટે પરીક્ષાની અલગથી જાહેરાત કરવામાં આવશે. કારણ કે હાલની સ્થિતિમા દિવાળીનું વેકેશન પડે ત્યાં સુધી પહેલા સેમેસ્ટરમાં કેટલીક કોલેજોમાં અભ્યાસ પણ શરૂ થાય તેમ નથી.

 

Exit mobile version