Site icon Revoi.in

જીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ

Gujarat's first BSL-4 lab will become a safety shield in the fight against deadly viruses

Gujarat's first BSL-4 lab will become a safety shield in the fight against deadly viruses

Social Share

Gujarat’s first BSL-4 lab  છેલ્લા થોડા વર્ષોમાં આપણે અનેક પ્રકારના પશુથી સંક્રમિત રોગોનો સામનો કર્યો છે. કોવિડ 19 પેન્ડેમિકએ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. કોરોના સમયે તમામ લોકોના સેમ્પલની તપાસ કરવા માટે આપણે ભારતની એકમાત્ર પૂણે સ્થિત બી.એસ.એલ.-4 લેબનો ઉપયોગ કર્યો હતો.

COVID-19 મહામારી દરમિયાન, દેશને વિવિધ પ્રકારના એવા રોગકારક સંક્રામક સૂક્ષ્મજીવોને સમજવા માટે બાયોસેફ્ટી કન્ટેઇનમેન્ટ સુવિધાઓની તાત્કાલિક જરૂરિયાતનો સામનો કરવો પડયો હતો,જેમના માટે કોઈ રસી અથવા સારવાર ઉપલબ્ધ ન હતી.

COVID-19 ઉપરાંત, ગુજરાતમાં તાજેતરમાં ચાંદીપુરા વાયરસ (માનવમાં) અને લમ્પી સ્કિન ડિસીઝ વાયરસ (પશુઓમાં) જેવા રોગો જોવા મળ્યા છે, જે બંને માટે બાયોસેફ્ટી લેવલ – 3 (BSL-3) અને તેથી ઉપરની સુવિધાઓ જરૂરી છે. ક્રિમિયન-કોન્ગો હેમરેજિક ફીવર (CCHF),લમ્પી, ચાંદીપુરા અને નિપાહ જેવા વાયરસના ખતરાને જોતા, અત્યંત જોખમી વાયરસ પર સંશોધન કરવા માટે દેશમાં અદ્યતન લેબોરેટરીની વિશેષ જરૂરિયાત ઊભી થઈ છે.

આ પણ વાંચોઃ અમિતભાઈ શાહની ગુજરાતી યુવાનો અપીલઃ આદિ શંકરાયાર્ય રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત જરૂર વાંચજો

આ દિશામાં ગુજરાતે દેશમાં અગ્રેસર થઈ રાષ્ટ્રની દ્વિતીય અને ગુજરાતની પ્રથમ બી.એસ.એલ.-4 ફેસીલીટીના નિર્માણની દિશામાં વેગ પકડયો છે. ગુજરાતમાં આગામી સમયમાં પ્રથમ અદ્યતન બાયો કન્ટેનમેન્ટ ફેસીલીટી અંતર્ગત એનિમલ બાયોસેફ્ટી લેવલ ફેસીલીટી (ABSL)તેમજ બાયોસેફ્ટી લેવલ-4(BSL-4) લેબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમજીએ BSL-4 શું છે?

બાયોસેફ્ટી લેવલ-4 (BSL-4) એ જૈવિક સુરક્ષાનું સર્વોચ્ચ સ્તર છે. આ લેબમાં અત્યંત ચેપી અને જીવલેણ, હવા દ્વારા સરળતાથી ફેલાઈ શકે તેવા વાયરસ અથવા બેક્ટેરિયા પર કામ કરવામાં આવે છે, જેની કોઈ રસી કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ ન હોય.

Gujarat’s first BSL-4 lab will become a safety shield in the fight against deadly viruses – પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં સરકાર હસ્તકના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) દ્વારા ગાંધીનગર ખાતે સેક્ટર -28 માં સ્થિત એનિમલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની બાજુમાં 14.21 એકર જમીનમાં આ અત્યાધુનિક લેબ વિકસાવવામાં આવી રહી છે. આ ફેસિલિટીમાં 271.90 ચો.મીમાં BSL-4 અને ABSL-4 પ્રયોગશાળા, 304.63 ચો.મીમાં BSL-3 અને BSL-3 ISO7 પ્રયોગશાળા તથા 407.91 ચો.મીમાં ABSL-3 તથા 898.19 ચો.મીમાં BSL-2 અને BSL-2 ISO7 પ્રયોગશાળા તથા ઇફ્લુએન્ટ ડી કન્ટમીનેશન અને અન્ય સપોર્ટ ફેસીલીટીસનુ નિર્માણ કરવામાં આવશે.

● લેબની મુખ્ય વિશેષતાઓ:

BSL-4 લેબમાં સુરક્ષાના અનેક સ્તરો હોય છે. આ લેબમાં વીજળી, પાણી અને હવાના નિકાલ માટે બેકઅપ સિસ્ટમ હોય છે જેથી કોઈ પણ સંજોગોમાં વાયરસ બહાર ન જઈ શકે.
¤ સંપૂર્ણ એરટાઈટ સિસ્ટમ: આ લેબમાંથી હવા બહાર નીકળતા પહેલા અનેક ફિલ્ટર્સ (HEPA Filters) માંથી પસાર થાય છે, જેથી વાયરસ પર્યાવરણમાં ન ફેલાય.
¤ પોઝિટિવ પ્રેશર સૂટ: અહીં કામ કરતા વૈજ્ઞાનિકો ખાસ પ્રકારના ‘સ્પેસ સૂટ’ જેવા પોશાક પહેરે છે, જેમાં ઓક્સિજનનો સપ્લાય અલગથી હોય છે.
¤ ડિકન્ટેમિનેશન શાવર: લેબમાં પ્રવેશતા અને બહાર નીકળતી વખતે વૈજ્ઞાનિકોએ ખાસ કેમિકલ શાવરમાંથી પસાર થવું પડે છે.
¤ લેબમાંથી નીકળતો કોઈપણ કચરો (પ્રવાહી કે ઘન) સીધો ગટરમાં જઈ શકતો નથી. આ માટે Effluent Decontamination System (EDS)નો‌ ઉપયોગ કરવામાં આવે છે. લેબના સિંક કે શાવરમાંથી નીકળતું પાણી મોટા ટેન્કમાં જાય છે જ્યાં તેને ઊંચા તાપમાને ઉકાળીને નિર્જંતુક કરવામાં આવે છે. તો ઘન કચરાને ડબલ-ડોર ઓટોક્લેવ મશીનમાં અત્યંત ઊંચા દબાણ અને વરાળ (Steam) દ્વારા સાફ કરવામાં આવે છે.

લેબનું મહત્ત્વ અને ઉપયોગિતા

લેબ દ્વારા આઇસોલેશન, સિકવન્સીગ, ટેસ્ટીગ અને વેક્સિનના સ્તરે સંશોધનો કરવામાં આવશે. આ લેબ કાર્યરત થતાં ઝડપી નિદાન શક્ય બનશે. અજાણ્યા વાયરસના હુમલા સમયે નમૂનાઓને પુણે (NIV) મોકલવાને બદલે ગુજરાતમાં જ ઝડપથી તપાસી શકાશે. નવા વાયરસ સામેની રસી અને એન્ટી-વાયરલ દવાઓ બનાવવા માટે આ લેબ પાયાની જરૂરિયાત તરીકે કાર્ય કરશે. આ સાથે પશુઓમાંથી માણસોમાં ફેલાતા (Zoonotic) રોગો પર દેખરેખ રાખી શકાશે.

ગુજરાતમાં BSL-4 લેબની સુવિધા મળવાથી રાજ્ય માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે બાયો-મેડિકલ રિસર્ચનું હબ બનશે. આ લેબ ભવિષ્યના સંભવિત રોગચાળા સામે લડવા માટે આપણું સૌથી મોટું શસ્ત્ર સાબિત થશે. આ લેબ માત્ર વાયરસ જ નહીં, પણ ‘બાયો-ટેરરિઝમ’ (જૈવિક હુમલા) જેવી ગંભીર પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ભારતની બાયોસિક્યુરિટીમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી

આ પણ વાંચોઃ VIDEO: ભારતીય સેના દ્વારા કચ્છના રણમાં 78મા ભારતીય સેના દિવસની ઉજવણી

Exit mobile version