ઇઝરાયેલ દ્વારા હમાસના ટોચના કમાન્ડરો પર સતત હુમલાઓ અને વિદેશી ધરતી પર પણ હત્યાના પ્રયાસોના કારણે હવે સંગઠને અત્યાર સુધીના સૌથી કડક સુરક્ષા નિયમો લાગુ કરી દીધા છે. લંડન સ્થિત અખબાર ‘અશરક અલ-અવસત’ના અહેવાલ મુજબ, કતારના દોહામાં તાજેતરમાં નિષ્ફળ ગયેલા હત્યાના પ્રયાસ બાદ હમાસના વરિષ્ઠ નેતાઓએ પોતાની સુરક્ષા અનેક ગણી વધારી દીધી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, ઇઝરાયેલ હવે અદ્યતન ટેક્નોલોજી દ્વારા હમાસના નેતાઓને ટ્રેક કરી રહ્યું છે અને તેમના માટે જોખમ પહેલાં કરતાં ઘણું વધી ગયું છે. આને ધ્યાનમાં રાખીને, સંગઠને એક આંતરિક સુરક્ષા દસ્તાવેજ જાહેર કર્યો છે, જેમાં ડઝનબંધ કડક દિશા-નિર્દેશો સામેલ છે.
નવી ગાઇડલાઇન્સ મુજબ, હમાસના નેતાઓને કોઈપણ બેઠક એક જ જગ્યાએ ન કરવા સૂચના અપાઈ છે. માહિતીને લીકેજ થતી અટકાવવા માટે સમય અને સ્થળ સતત બદલવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સૌથી સખ્ત નિયમો ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે છે. બેઠકના સ્થળે કોઈપણ પ્રકારના મોબાઇલ ફોન, લેપટોપ, સ્માર્ટવોચ, બ્લૂટૂથ ડિવાઇસ, ટીવી સ્ક્રીન, Wi-Fi રાઉટર અને એર કન્ડિશનર લાવવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દસ્તાવેજમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તમામ ઇલેક્ટ્રોનિક અને મેડિકલ ડિવાઇસને મીટિંગ પોઈન્ટથી ઓછામાં ઓછા 70 મીટરના અંતરે રાખવા પડશે. કોઈપણ રૂમમાં મીટિંગ શરૂ કરતાં પહેલાં છુપાયેલા કેમેરા અને ઈવ્સડ્રોપિંગ ડિવાઇસ (જાસૂસી ઉપકરણો)ની સખ્ત ચકાસણીનો આદેશ આપવામાં આવ્યો છે. હમાસે આ કડક સુરક્ષા ત્યારે લાગુ કરી છે, જ્યારે ઇઝરાયેલે છેલ્લા બે વર્ષમાં હમાસ, હિઝ્બુલ્લાહ અને ઇરાન સમર્થિત અન્ય સમૂહોના વરિષ્ઠ નેતાઓને એક પછી એક નિશાન બનાવ્યા છે.
7 ઓક્ટોબરના હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધમાં હસન નસરલ્લાહ, ઈસ્માઈલ હનિયા અને યાહ્યા અસનવાર જેવા ઘણા મોટા નેતાઓ માર્યા ગયા છે. તાજેતરમાં, 2 ડિસેમ્બરના રોજ ઇઝરાયેલે દાવો કર્યો હતો કે તેણે બેરૂતના દક્ષિણી વિસ્તારમાં એરસ્ટ્રાઇક કરીને હિઝ્બુલ્લાહના ડેપ્યુટી ચીફ હાયથમ અલી તબતબાઈને મારી નાખ્યો છે, જેના કારણે લેબનાનમાં તણાવ વધી ગયો છે.

