Site icon Revoi.in

ઈડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના સીએમ કેજરીવાલની તબિયત લથડી, સુગર લેવલ 46 સુધી ઘટયું

Social Share

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. સૂત્રો મુજબ, ઈડી કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તેમનું સુગર લેવલ ઉપર-નીચે થઈ રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ 46 સુધી ઘટયું છે. ડૉક્ટરોનું કહેવું છે કે સુગર લેવલનું આટલું નીચે જવું ઘણું ખતરનાક છે.

આ પહેલા બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે મંગળવારની સાંજે જેલમાં તેઓ પોતાના પતિને મળવા માટે ગયા. તેમને ડાયાબિટિઝ છે, સુગર લેવલ ઠીક ચાલી રહ્યું નથી. પરંતુ નિશ્ચય દ્રઢ છે. તે ખૂબ સાચા દેશભક્ત, નીડર અને સાહસિક વ્યક્તિ છે. તેમના લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય અને સફળતાની કામના કરજો. તેમણે કહ્યું છે કે મારું શરીર જેલમાં છે, પરંતુ આત્મા તમારા બધાંની વચ્ચે છે. આંખો બંધ કરો તો મને તમારી આસપાસ જ મહેસૂસ કરશો.

આ સિવાય સુનીતા કેજરીવાલે કહ્યું છે કે ઈડીના ઘણાં દરોડામાં એકપણ પૈસો મળ્યો નથી અને તેમના પતિ 28 માર્ચે અદાલતમાં કથિત આબકારી નીતિ ગોટાળામાં મોટા ખુલાસા કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ઈડીએ 21 માર્ચે આબકારી નીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં એરેસ્ટ કર્યા હતા અને એક અદાલતે તેમને 28 માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલ્યા હતા.

સુનીતા કેજરીવાલે કહ્યું છે કે તમના પતિ 28 માર્ચે સચ્ચાઈ જણાવશે અને પુરાવા પણ રજૂ કરશે. તેમણે કહ્યું છે કે બે વર્ષની તપાસ છતાં ઈડી એક પૈસૈનો પણ પુરાવો શોધી શકી નથી. તેમણે સીએમ હાઉસ પર દરોડો પાડયો, પરંતુ માત્ર 73 હજાર રૂપિયા મળ્યા.

સુનીતા કેજરીવાલે કહ્યું છે કે મારા પતિએ કસ્ટડીમાં રહેવા દરમિયાન જળ મંત્રી આતિશીને નિર્દેશ જાહેર કર્યા. કેન્દ્રને આનાથી વાંધો હતો. શું તેઓ દિલ્હીને બરબાદ કરવા માંગે છે? તેમણે કહ્યું છે કે આ મુદ્દાને લઈને તેમના પતિ ઘણાં દુ:ખી છે.