નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુવાનોના અચાનક થતાં મૃત્યુના કિસ્સાઓમાં જે ઝડપી વધારો જોવા મળ્યો છે, તેને કોરોના વેક્સિન સાથે જોડતી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાયો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીએ એક વર્ષ સુધી ચાલેલી વિસ્તૃત સ્ટડીમાં મોટો ખુલાસો કર્યો છે કે, યુવાનોના આ ‘અચાનક મૃત્યુ’નો કોરોના વેક્સિન સાથે કોઈ સીધો સંબંધ નથી.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ સહિત દેશની અનેક મુખ્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસોએ પણ આ તથ્યની પુષ્ટિ કરી છે કે ભારતમાં COVID-19 રસીઓ સુરક્ષિત અને અસરકારક છે. AIIMSનો આ અહેવાલ ‘ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચ’માં પ્રકાશિત થયો છે, જે સ્પષ્ટ કરે છે કે અચાનક થયેલા મૃત્યુ પાછળ કોવિડ વેક્સિન નહીં, પરંતુ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જટિલતાઓ જવાબદાર છે.
AIIMSના સંશોધનમાં 18 થી 45 વર્ષના યુવાનોના ડેટાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી કે કોરોના વેક્સિન લેનારા અને વેક્સિન ન લેનારા લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ અથવા પેટર્ન સમાન જ હતી. આ તથ્ય સ્પષ્ટપણે સાબિત કરે છે કે યુવાનોના આ આકસ્મિક મૃત્યુનું પ્રત્યક્ષ કારણ રસીકરણ નથી.
સ્ટડી મુજબ, યુવાનોના અચાનક મૃત્યુનું સૌથી મોટું અને મુખ્ય કારણ ‘કોરોનરી આર્ટરી ડિસીઝ’ (CAD) એટલે કે હૃદયની નસોની બીમારી જણાઈ છે. CADમાં હૃદયની ધમનીઓમાં પ્લાક જમા થઈ જાય છે, જેનાથી રક્ત પ્રવાહ પ્રભાવિત થાય છે. CAD ઉપરાંત, શ્વાસ સંબંધી ગંભીર સમસ્યાઓ, દિનચર્યાની ભૂલો, આનુવંશિક બીમારીઓ અને શરીરમાં પહેલેથી હાજર બીમારીઓને પણ આ મૃત્યુ માટે જવાબદાર ગણાવવામાં આવી છે.
મે 2023 થી એપ્રિલ 2024 વચ્ચે કરવામાં આવેલી આ સ્ટડીમાં કુલ 180 અચાનક થયેલા મૃત્યુની તપાસ કરવામાં આવી હતી. સંશોધકોએ મૃત્યુના કારણો સમજવા માટે પોસ્ટમોર્ટમ, વર્બલ ઑટોપ્સી (પરિવારના સભ્યો પાસેથી વિગતવાર પૂછપરછ) અને વિસ્તૃત મેડિકલ તપાસ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લીધો હતો. આ અહેવાલ ભારપૂર્વક જણાવે છે કે ભારતમાં યુવાનોમાં હૃદય રોગ ઝડપથી વધી રહ્યા છે, જે એક ગંભીર જન-સ્વાસ્થ્ય ચિંતાનો વિષય છે અને આના પર તાત્કાલિક ધ્યાન આપવા તેમજ જીવનશૈલીમાં જરૂરી ફેરફારો લાવવાની જરૂર છે.

