Site icon Revoi.in

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ, જનજીવનને અસર

Social Share

નવી દિલ્હી, 26 જૂન 2026: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પહેલો જ વરસાદ આફત બનીને ત્રાટક્યો છે. જિલ્લાના નારાયણબગડ ગામમાં ભારે વરસાદને કારણે મોટી માત્રામાં કાટમાળ રસ્તાઓ પર આવી ગયો છે. પાણીના તેજ પ્રવાહ સાથે આવેલા કાટમાળ અને પથ્થરો ઘણી દુકાનોમાં ઘૂસી ગયા છે, જ્યારે અનેક વાહનો પણ તેની ચપેટમાં આવીને ક્ષતિગ્રસ્ત થયા છે.

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને સંબંધિત વિભાગોની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. વહીવટીતંત્રની દેખરેખ હેઠળ જેસીબી મશીનોની મદદથી રસ્તાઓ પરથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, જેથી ટ્રાફિક વ્યવહારને શક્ય તેટલી વહેલી તકે સામાન્ય બનાવી શકાય.

સાથે જ પ્રભાવિત થયેલી દુકાનો અને અન્ય નુકસાનનું આકલન પણ કરવામાં આવી રહ્યું છે. ચોમાસાના આ પ્રથમ તબક્કામાં જ બનેલી આ ઘટનાએ સ્થાનિક લોકોની ચિંતા વધારી દીધી છે. વહીવટીતંત્રએ લોકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી અવરજવર ટાળવા અને સતર્ક રહેવા અપીલ કરી છે. પ્રભાવિત વિસ્તારની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ઘટના બાદની તસવીરો ખૂબ જ ડરામણી છે. રસ્તાઓ પર કાટમાળ અને પાણીના તેજ પ્રવાહને કારણે વાહનો ફસાઈ ગયા છે. દુકાનો અને ઓફિસોની સ્થિતિ પણ કંઈક આવી જ છે, જેમાં મોટી માત્રામાં કાટમાળ ભરાઈ ગયો છે. આ ઘટના બાદ લોકોની ચિંતામાં વધારો થયો છે. સરકાર તરફથી અસરગ્રસ્તોની પડખે રહેવાની અને દરેક સંભવ મદદ કરવાની ખાતરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપત્તિની દ્રષ્ટિએ ચમોલી પહેલેથી જ સંવેદનશીલ માનવામાં આવે છે. ગત વર્ષે પણ લોકોને ભયાનક આપત્તિનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે થરાલીમાં કાટમાળ નીચે ઘણી દુકાનો દબાઈ ગઈ હતી.

Exit mobile version