Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધોધમાર વરસાદઃ મધુબન ડેમના 9 દરવાજા ખોલાયાં

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન વલસાડ જિલ્લામાં પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવક વધવાને કારણે ડેમના 9 દરવાજા પાંચ મીટર જેટલા ખોલવામાં આવ્યાં હતા. તેમજ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી દમણગંગા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ ઉભી થઈ છે. આ ઉપરાંત નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 204.94 મીમી એટલે કે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મધુબન ડેમમાં પાણીની આવક થતા ડેમના 9 દરવાજા ખોલીને 1.43 લાખ ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે દમણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ અને તંત્ર સતર્ક થઇ ગયા હતા અને તેમના દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સવારે છ વાગ્યાની આસપાસ ડેમની સપાટીમાં થોડો ઘટાડો થયો હતો. ડેમની સપાટી 72.90ની આસપાસ પહોંચી છે. ડેમમાં 43247 ક્યૂસેક પાણીની આવક છે જ્યારે 1.34 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ વધવાને કારણે તંત્રએ ગામડા અને નીચાણવાળા વિસ્તારોને સાવધાન કર્યા હતા. સ્થળાંતરણ કરવાની સ્થિતિ ઉભી થાય તો લોકોને રાખવા માટે પ્રાથમિક શાળામાં શેલ્ટર હોમ પણ બનાવવામાં આવ્યા છે. વલસાડમાં એક એનડીઆરએફ અને દમણ સેલવાસમાં ડિઝાસ્ટરની ટીમ તેનાત કરવામાં આવી હતી.