- સાવજોને તેમના વિસ્તારમાં શાંતિથી જીવવા દોઃ હાઈકોર્ટ
- લાયન સફારીમાં ઘટાડો કરવાની ટકોર
અમદાવાદઃ એશિયન લાયન્સનું ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાં અવાર-નવાર સિંહ દર્શનના નામે કેટલાક લોકો સાવજોની પજવણી કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન તાજેતરમાં જ સિંહની પજવણીનો ફોટો વાયરલ થયો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ સરકારને ટકોર કરી હતી કે, વનરાજોને તેમના વિસ્તારમાં શાંતિથી જ જીવવા દો. તો જ સિંહો આપણનો જોવા મળશે. આ ઉપરાંત લાયન સફારીમાં ઘટાડો કરવા ટકોર કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર લાયન સફારીમાં પ્રવાસીઓથી ઘેરાયેલા સિંહની તસવીર તાજેતરમાં વાયરલ થઈ હતી. આ વીડિયો હાઈકોર્ટમાં રજૂ થયો હતો. જેથી સિંહની પજવણી મામલે હાઈકોર્ટની ગંભીર નોંધ લીધી છે. લાયન સફારીના નામે સિંહોની થતી પજવણી પર હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી હતી કે, સિંહને પોતાના વિસ્તારમાં શાંતિથી જીવવા દો. સિંહને શાંતિથી જીવવા દેશો તો સિંહ દેખાશે. પ્રકૃતિ સાથે કોઈ ચેડા ન થવા જોઈએ. હાઈકોર્ટે ગીરમાં લાયન સફારીમાં ઘટાડો કરવા સૂચન કર્યુ છે. આ ઉપરાંત સમગ્ર મામલે સરકારને અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ કર્યો હતો.
એક ધારાશાસ્ત્રીએ પ્રવાસીઓથી ઘેરાયેલા સિંહણની તસવીર હાઈકોર્ટમાં રજૂ કરી હતી. જેમણે ગિરનાર અભયારણ્યમાં ટુરિઝમ ઝોનનો વિરોધ કર્યો હતો. તેમણે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, પ્રાણીઓની પ્રજાતિઓમાં રસ લેનારા અને સિંહો જોવાના તેમના શોખ વચ્ચે સંતુલન બનાવવાની જરૂર છે. આ માટે તપાસ થવી જોઈએ.