Site icon Revoi.in

રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આગોતરૂ આયોજન કરવા હાઈકોર્ટની સરકારને ટકોર

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે કોરોનાને લઈને થયેલી સુઓમોટો પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહેવાની ટકોર કરીને કહ્યું હતું કે, રાજ્ય સરકારે ઘણું કર્યું છે, હજી પણ ઘણું કરવાની જરૂર છે. કોરોનાના નવા વેરિયન્ટની અસરથી બચવા લોક જાગૃતિ જરૂરી છે.

ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોના ચુકાદામાં કહ્યું હતું કે રિયલ ટાઈમ ડેટા આપે એ માટે હોસ્પિટલની જવાબદારી સરકાર નક્કી કરે. દિવ્યાંગ અને નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન થાય એ માટેની વ્યવસ્થા ઊભી કરો. ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થશે એવા અહેવાલોને ધ્યાનમાં રાખીને તેમનાં માટે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરો. લોકો કોરોનાના નિયમોનું પાલન કરે એ ખૂબ જ જરૂરી છે, આના માટે સરકારે કઠોર થવું પડશે.

ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે સંભવિત ત્રીજી વેવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અલર્ટ રહે કોઈ ચૂક કે ભૂલ ન થાય એમાં જ બધાનું હિત છે. વેક્સિનેશન ઝડપી થાય અને લોકોને સરળતાથી વેક્સિન મળે એનો સ્ટોક જળવાઈ રહે એ સરકારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. PSA ઓક્સિજન પ્લાન્ટ પણ જ્યાં લગાડવાના પ્રોજેક્ટ છે, ત્યાં ઝડપથી લાગી જાય એ માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ. પહેલી અને બીજી વેવમાં મેડિકલ સ્ટાફની અછત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હતી. હવે ઝડપથી એની પ્રોસેસ કરી સ્ટાફની ભરતી કરો. PHC અને CHCને રૂરલ એરિયામાં વધુ કાર્યક્ષમ કરો, જેથી બધાને એનો લાભ મળે. સરકારે મેડિકલ એજ્યુકેશન માટે પણ લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી આવા પેન્ડેમિકમાં મેડિકલલાઈનના વિદ્યાર્થીઓને આ સેવામાં ઉપયોગમાં લઇ શકાય. હાઇકોર્ટે કોરોનાને લઈને થયેલી સુઓમોટો અને અન્ય પિટિશનને ડિસ્પોઝ કરીને કોમન ઓર્ડર પાસ કર્યો હતો.