Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં સવારે એક બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બારાબંકી જિલ્લાના ફતેહપુર ખાના વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યાથજીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટે અધિકારીઓને જરુરી સુચના આપી હતી.

પોલીસે જણાવ્યું કે, બારાબંકી જિલ્લાના ફતેહપુર શહેરમાં સવારે લગભગ 3.17 વાગ્યે ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું અને તેના કાટમાળ નીચે 15 લોકો દટાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે 12 લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન રોશની બાનો (ઉ.વ 22) અને હકીમુદ્દીન (ઉ.વ. 28)નું મોત થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા આઠ લોકોને લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અન્ય બે ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

બારાબંકીના પોલીસ અધિક્ષક (એસપી) દિનેશ કુમાર સિંહે જણાવ્યું કે, બિલ્ડિંગના માલિકની ઓળખ હાશિમ તરીકે થઈ છે. આ ઘટનામાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કરતા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.