Site icon Revoi.in

હોળીઃ ચાઈનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારને પગલે ચાલુ વર્ષે 50 હજાર કરોડથી વધુનો વેપાર થશે

Social Share

નવી દિલ્હીઃ રંગોના તહેવાર હોળીને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ માટે ઓનલાઈન માર્કેટપ્લેસથી લઈને મોલ્સ અને માર્કેટ સુધી બધું જ સજ્જ છે. દેશભરમાં ઉજવાતા આ તહેવારથી બિઝનેસને પણ ઘણો ફાયદો થશે. ઉદ્યોગપતિઓના એક સંગઠનનું માનવું છે કે આ વર્ષે હોળી પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની આશા છે.

રિટેલ વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જણાવ્યા અનુસાર આ વર્ષે હોળી માટે બજારનું વાતાવરણ ઉત્તમ બન્યું છે. આ કારણે આ વર્ષે હોળીના તહેવારોની સિઝનમાં દેશભરમાં કારોબારમાં લગભગ 50 ટકાનો વધારો જોવા મળી શકે છે. એકલા દિલ્હીમાં 5 હજાર કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થવાની અપેક્ષા છે.

આ વખતે હોળીમાં બીજી એક ખાસ વાત જોવા મળી રહી છે કે, બજારમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. CATનો દાવો છે કે ગયા વર્ષની જેમ આ વખતે પણ વેપારીઓ અને સામાન્ય ખરીદદારો ચાઈનીઝ સામાનનો સંપૂર્ણ બહિષ્કાર કરી રહ્યા છે. CATનું કહેવું છે કે, સામાન્ય રીતે દેશમાં હોળી સંબંધિત સામાનની આયાત લગભગ 10 હજાર કરોડ રૂપિયાની હોય છે, જે આ વખતે સાવ નહિવત હતી.

CATના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આ વખતે હોળીના તહેવારમાં ચીનમાં બનેલા સામાનનો વેપારીઓ અને ગ્રાહકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. હર્બલ કલર્સ અને ગુલાલ, પિચકારી, ફુગ્ગા, ચંદન, પૂજા સામગ્રી, વસ્ત્રો અને અન્ય વસ્તુઓ ફક્ત ભારતમાં જ બનાવવામાં આવ્યાં છે તે બજારમાં પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. બજારમાં મીઠાઈઓ, સૂકા ફળો, ભેટની વસ્તુઓ, ફૂલો અને ફળો, કપડાં, ફર્નિશિંગ ફેબ્રિક, કરિયાણા, એફએમસીજી ઉત્પાદનો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વગેરે સહિત અન્ય ઉત્પાદનોની ભારે માંગ છે.

CATના રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું કે આ વખતે બજારમાં વિવિધ પ્રકારની પિચકારી, ફુગ્ગા અને અન્ય આકર્ષક વસ્તુઓ આવી છે. પ્રેશરવાળી પિચકારી રૂ.100 થી રૂ.350માં ઉપલબ્ધ છે. ટેંકવાળી પિચકારી 100 થી 400 રૂપિયામાં ટાંકી સ્વરૂપે ઉપલબ્ધ છે. આ ઉપરાંત ફેન્સી પાઈપ પણ બજારમાં લોકપ્રિય બની છે. બાળકોને સ્પાઈડર મેન, છોટા ભીમ વગેરે ખૂબ જ પસંદ છે, જ્યારે ગુલાલના સ્પ્રેની માંગ વધી છે.