Site icon Revoi.in

અરવલ્લીમાં ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તમામ શાળાઓમાં રજા, જિલ્લા શિક્ષણ તંત્રનો તાત્કાલિક નિર્ણય

Holiday in all schools tomorrow due to heavy rain forecast in Aravalli, immediate decision by the district education system

Holiday in all schools tomorrow due to heavy rain forecast in Aravalli, immediate decision by the district education system

Social Share

હેમંત પરમાર, અરવલ્લી
મોડાસા, 23 જુલાઈ, 2026 – અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા શિક્ષણ તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ, અરવલ્લી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ તા. 24 જુલાઈ 2026ને શુક્રવારના રોજ સમગ્ર અરવલ્લી જિલ્લામાં આવેલી તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ સંચાલકો, આચાર્યો, મુખ્ય શિક્ષકો તેમજ આંગણવાડી કાર્યકરોને સંબોધીને સૂચનાઓ આપવામાં આવી છે. પરિપત્રમાં જણાવાયું છે કે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાપ્ત થયેલી સૂચનાઓ અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

પરિપત્ર અનુસાર સરકારી, આશ્રમશાળા, અનુદાનિત તથા બિનઅનુદાનિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આ રજાનો અમલ થશે. તેમાં આંગણવાડી કેન્દ્રોથી લઈને ધોરણ 12 સુધીની તમામ શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યો છે જેથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો વિદ્યાર્થીઓને નુકસાન ન પહોંચે.

જિલ્લા શિક્ષણ વિભાગે શાળા સંચાલકો અને શિક્ષકોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓનું કડક પાલન કરવા પણ જણાવ્યું છે. કુદરતી આફત જેવી સ્થિતિમાં શાળાના રેકોર્ડ, દસ્તાવેજો અને ભૌતિક સાધનોની સુરક્ષા સુનિશ્ચિત રાખવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે તમામ શિક્ષકશ્રીઓએ ફરજિયાત પોતાના મુખ્ય મથક પર હાજર રહેવાનું રહેશે જેથી કોઈપણ તાકીદની પરિસ્થિતિમાં વહીવટી તંત્રને જરૂરી સહયોગ આપી શકાય. સાથે જ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી રજાની માહિતી સમયસર પહોંચે તેની જવાબદારી પણ શાળા તંત્રને સોંપવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ વિભાગે તમામ સંચાલકોને વિદ્યાર્થીઓના હિતમાં કોઈપણ પ્રકારની ગેરસમજ ન થાય તે માટે મોબાઇલ, વોટ્સએપ ગ્રુપ અને અન્ય ઉપલબ્ધ માધ્યમો દ્વારા તરત જ રજાની જાણ કરવાની અપીલ કરી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી ઝડપથી પહોંચે તે માટે શિક્ષકોને સક્રિય ભૂમિકા ભજવવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ આગોતરો અને સાવચેતીભર્યો પગલું માનવામાં આવી રહ્યો છે. હવે વાલીઓને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ બાળકોને અનાવશ્યક બહાર ન મોકલે, વરસાદી વિસ્તારો, નદી-નાળા અને પાણી ભરાયેલા સ્થળોથી દૂર રાખે તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.

જિલ્લા શિક્ષણ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી પરિસ્થિતિ મુજબ જરૂરી હોય તો વધુ સૂચનાઓ અલગથી જાહેર કરવામાં આવશે. હાલમાં તા. 24 જુલાઈ 2026ના રોજ અરવલ્લી જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા અમલમાં રહેશે.

Exit mobile version