Site icon Revoi.in

વતનનું ઋણ કયારેય ચૂકવી શકાતું નથી: હર્ષ સંઘવી

Social Share

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસાના કાંટ ગામે આવેલ શ્રી સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું ખુલ્લી જીપમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના ઉદ્દઘાટક અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્રી સંતોષદેવી દિનેશચંદ્રજી અગ્રવાલ સર્વોદય લો કોલેજ, શ્રીમતી ભવરીદેવી રામેશ્વરજી અગ્રવાલ સર્વોદય કોમર્સ કોલેજ અને શ્રી રામકિશનજી કુન્દનમલજી અગ્રવાલ સર્વોદય આર્ટસ કોલેજના નવીન ભવનની તકતીનું અનાવરણ કરી દીપ પ્રગટાવી રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ સમારોહને ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખૂબ ગૌરવભેર વતનની યાદો અને સંસ્મરણોને વાગોળતાં વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતરીની સોનેરી શીખ આપતાં જણાવ્યું કે, આ સંકુલ ડીસા અને બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર માટે મહત્વનું શૈક્ષણિક ધામ બનશે. વિદ્યાર્થીઓને વાંચી, ગોખી અને પરીક્ષામાં નંબર લાવવાની રેસમાં ભણી ગણી વતનને ભૂલી ન જતા એમ કહી જીવનમાં ભણતર સાથે ગણતરને અપનાવવા અપીલ કરી હતી. તેમજ આ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ ભણી ગણી ડીસા, બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

મંત્રીએ જણાવ્યું કે હું કાર્યક્રમમાં ઉદ્દઘાટક તરીકે નહી પણ ડીસાના દીકરા તરીકે આવ્યો છું, વતનનું ઋણ કયારેય ચૂકવી શકાતું નથી તેમ જણાવી મંત્રીએ સર્વોદય શૈક્ષણિક સંકુલ માટે દાન આપનાર મુખ્ય દાતા દિનેશચંદ્ર આર. અગ્રવાલ અને જગદીશચંદ્ર આર.અગ્રવાલ સહિત સમગ્ર અગ્રવાલ પરિવાર અને તમામ દાતાશ્રીઓની દાનની ભાવનાને બિરદાવી તેમનો આભાર માન્યો હતો.

મંત્રીએ ડીસા ખાતે ટૂંક સમયમાં તાલુકા કક્ષાનું તમામ સુવિધાઓથી સજ્જ રમત ગમત સંકુલ બનાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી. જેથી જિલ્લાના રમતગમતમાં રુચિ ધરાવતા યુવાનોને પ્લેટફોર્મ મળી રહે. વિવિધ ખેલકુદના ખેલાડીઓ રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે એ માટે રાજ્ય સરકાર રૂ. 1,68,000 સુધીની સહાય કરતી હોવાનું જણાવી તેમણે અમને કામ આપો, સારા વિચાર આપો, અમે સેવા કરવા બેઠા છીએ એમ જણાવ્યું હતું. મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે વ્યાજખોરો સામે બનાસકાંઠા પોલીસે લીધેલાં પગલાંથી અનેક ઘરોમાં ખુશીઓ આવી છે એમ જણાવી બનાસકાંઠા જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી જિલ્લા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.