Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો વિનાશ : ખેડૂતો 10 કિલો કેસર કેરી માત્ર 50થી 80માં વેચવા મજબુર

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તેમજ કેસર કેરી માટે જાણીતા ગીર પંથક સહિતના વિસ્તારોમાં આંબા ઉપર તૈયાર કેરી ખરી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂ. 5 ના ભાવે એક કિલો કેરી વેચાતા કેસર કેરી વેચવા ખેડૂતો મજબુર બન્યાં છે. કેરીનું 10 કિલોના બોક્ષની માત્ર રૂપિયા 50 થી લઈને 80 ના ભાવમાં હરાજી થઈ હોવાનું જાણવા મળે છે.

જૂનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતાના જણાવ્યા અનુસાર, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 60 હજારથી વધુ કેરીના બોક્સ વેચાણ માટે આવ્યા હતા, પરંતુ વધુ પ્રમાણમાં કેરીઓ વેચાણમાં આવતાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 5 થી 8 રૂપિયામાં એક કિલોના ભાવે કેરીનું વેચાણ થયું હતું. એટલે કે, કેરીનું 10 કિલોના બોક્ષની માત્ર રૂપિયા 50 થી લઈને 80 ના ભાવમાં હરાજી થઈ હતી. જ્યારે 15 દિવસ પહેલા 1200 થી 1500 રૂપિયાનું બોક્સ વેચાતું હતું. તેમજ વાવાઝોડા પહેલા 500 થી 700 રૂપિયામાં વહેચાયા હતા.

ખેડૂતોના જણાવ્યા અનુસાર એક તરફ કોરોનાના કારણે મજૂરો મળતા ન હોવાથી મોંઘી મજૂરી ચૂકવવી પડી હતી, અને અધૂરામાં પૂરું હોય તેમ જ્યારે આંબા ઉપર કેરીમાં સાખ બેસવાનો સમય આવ્યો હતો ત્યારે જ અચાનક વાવાઝોડું ત્રાટકતાં અકાળે મોટાભાગની કેરીઓ ખરી પડતા કેરીઓ હાલમાં કોડીના ભાવે વેચાઇ રહી છે, અને હવે આંબા ઉપર કેરીઓ પણ નહિવત્ રહી છે અને ઉપરથી વાવાઝોડા સાથે વરસાદ પડયો હોવાથી આ કેરીના પણ પુરતા ભાવ મળશે નહીં ત્યારે અમારે ભારે આર્થિક નુકસાની વેઠવી પડશે. સરકાર કેરીના ખેડૂતોનું ભલું વિચારી તાત્કાલીક સર્વે કરે અને સહાય કરે તેવી પણ માંગ ખેડૂતોમાંથી ઉઠી છે.

Exit mobile version