નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ 2026ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા કરવામાં આવેલી એક વિવાદાસ્પદ માંગને ફગાવી દીધી હોવાનું જાણવા મળે છે. બાંગ્લાદેશે સુરક્ષાના કારણો ધરીને પોતાની મેચો ભારતથી શ્રીલંકા શિફ્ટ કરવાની વિનંતી કરી હતી, જેને ICCએ સદંતર નકારી કાઢી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેથી હવે બાંગ્લાદેશે પૂર્વ નિર્ધારિત શેડ્યૂલ મુજબ ભારત આવીને જ રમવું પડશે.
તાજેતરમાં બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને લઈને વિવાદ સર્જાયો હતો. IPL 2026 માટે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેને હરાજીમાં ખરીદ્યો હતો. જોકે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અને હત્યાઓને પગલે સોશિયલ મીડિયા અને દેશભરમાં મુસ્તફિઝુરને હટાવવાની માંગ ઉઠી હતી. જનતાના આક્રોશને જોતા BCCI ના નિર્દેશ પર KKR એ મુસ્તફિઝુરને ટીમમાંથી બહાર કર્યો હતો.
- બદલાની ભાવનાથી લીધેલો નિર્ણય ભારે પડ્યો
મુસ્તફિઝુરને IPLમાંથી બહાર કાઢવામાં આવતા બાંગ્લાદેશના રમત મંત્રાલય અને ક્રિકેટ બોર્ડે તેને પોતાનું અપમાન ગણાવ્યું હતું. આ મામલે મળેલી ઈમરજન્સી મીટિંગ બાદ બાંગ્લાદેશે ICC ને ઈમેલ કરીને જણાવ્યું હતું કે, તેઓ સુરક્ષાના કારણોસર ભારતનો પ્રવાસ કરવા માંગતા નથી અને તેમની મેચો શ્રીલંકા ખસેડવામાં આવે.
અહેવાલ મુજબ, ICCએ બાંગ્લાદેશને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ વેન્યુ બદલવામાં આવશે નહીં. બાંગ્લાદેશે તેની ગ્રુપ સ્ટેજની મેચો કોલકાતા અને મુંબઈમાં જ રમવી પડશે. આ સાથે જ ICCએ ચેતવણી પણ આપી છે કે જો તેઓ શિડ્યુલ મુજબ નહીં રમે તો તેની ગંભીર અસરો ભોગવવી પડી શકે છે.

