Site icon Revoi.in

ગુજરાતમાં સતત 15 દિવસ સુધી કોવિડના કેસ વધશે તો ત્રીજી લહેરની શક્યતાઃ તબીબોનો મત

Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ છેલ્લા બે દિવસથી કોવિડના કેસમાં વધારો થયો છે. બે દિવસમાં સરેરાશ 40 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પમ હરકતમાં આવ્યું છે. જો સતત 15 દિવસ સુધી કોરોનાના કેસ વધશે તો કોરોનાની ત્રીજી લહેરની શકયતાને નકારી શકાય નહીં, તેવો મત તબીબોએ વ્યક્ત કર્યો છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે સંકળાયેલા ડો મોના દેસાઈ અને અન્ય તબીબોના મતે, દિવાળીના તહેવારોમાં લોકો કોરોનાને ભુલીને પરિવાર સાથે ફરવા ગયા હતા. તેમજ અનેક સ્થળો ઉપર કોરાનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન પણ જોવા મળ્યું હતું. આમ બેદરકારીને કારણે કોરોના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. એટલું જ નહીં પ્રવાસન સ્થળોએ ખૂબ ભીડ જામી હતી એટલે ચેપ વધવાની શકયતા વધી છે. જો 15 દિવસ સુધી કોવિડ-19ના કેસમાં વધારો થતો રહે તો ત્રીજી લહેર આવવાની શકયતા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબોના જણાવ્યા અનુસાર, દેવ દિવાળી સુધી કોરોનાના કેસમાં સામાન્ય વધારો જોવાય તેવી શકયતા દેખાય છે. જો કે, રસીકરણના કારણે બીજી લહેર જેવી સ્થિતિ નહિ સર્જાય. લોકો હજુ બહાર ગામ ફરવામાં વ્યસ્ત છે, એ પરત આવે એ પછી કેસમાં ફરી વધારો થઈ શકે તેવી શકયતા છે. ત્રીજી લહેરની સ્થિતિ દેવ દિવાળી સુધીમાં સ્પષ્ટ્ર થાય તેવી સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લગભગ ચાર મહિના બાદ કોરોનાના કેસમાં એકદમ વધારો જોવા મળી રહ્યો છે. જેથી સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. એટલું જ નહીં કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે.

(Photo-File)