Site icon Revoi.in

કરફ્યુનો અમલ રાત્રિના 11 વાગ્યા સુધી યથાવત રખાશે તો મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ નહીં ઊજવાય

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ સમાપ્ત થઈ ગયો છે. હવે માત્ર ખૂબજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે પણ નિયંત્રણો ઉઠાવી લીધા છે. હાલમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે. બીજીતરફ આગામી 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી આવી રહી છે. દેશભરમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભક્તો રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઊજવે છે. પરંતુ જો સરકાર 28 ઓગસ્ટ બાદ નવી ગાઈડલાઈનમાં રાત્રિ કર્ફ્યુમાં રાહત ન આપે તો જન્માષ્ટમીના રાત્રે 12 વાગે મંદિરોમાં થતી કૃષ્ણ જન્મની ઉજવણી ભક્તોએ ઘરે જ કરવી પડશે. એટલે કે સતત બીજા વર્ષે પણ ભક્તો ઘરે જ કનૈયાના જન્મદિવસની ઊજવણી કરવાની રહેશે.

રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ભારે આનંદોલ્લાસથી ઊજવણી કરવામાં આવતી હોય છે. જેમાં દ્વારકાધિશ, ડાકોરના ઠાકોરજી, અને ઈસ્કોન તથા હરિકૃષ્ણ મંદિર સહિત તમામ મંદિરોમાં જન્માષ્ટમીના દિને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. મંદિરના ટ્રસ્ટીઓ આ વખતની જન્માષ્ટમીની ઉજવણી ભક્તોના પ્રવેશ અંગે  સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.  મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની  જે કઈપણ વિધિ પૂજા થાય છે તે તો થશે જ. પરંતુ ભક્તોને મંજૂરી આપવી કે નહીં તે રક્ષાબંધન બાદ સરકાર તરફથી નિર્ણય લેવામાં આવશે તેવી જાણકારી મળી હોવાનું મંદિરના ટ્રસ્ટીઓ કહી રહ્યા છે.  સાથે જ જે પણ સરકારનો નિર્ણય હશે તે અનુસાર મંદિરોમાં  ઉજવણી કરાશે. ગત વર્ષે પણ ભક્તો વગર જ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ ઘટ્યું છે. છતા અંતે સરકાર શું નિર્ણય લે છે તેની ભાવિકો પણ રાહ જોઈ રહ્યા છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર જન્માષ્ટમી તહેવારોમાં બંધ રહેશે. આગામી 27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર એટલે કે 6 દિવસ સુધી મંદિર બંધ રહેશે. જન્માષ્ટમીના તહેવારના પગલે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને લઈને મંદિર અને અન્નક્ષેત્રમાં ભીડ ના થાય તે માટે 6 દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 સપ્ટેમ્બરને ગુરૂવારથી ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શન રાબેતા મુજબ કરી શકશે.