Site icon Revoi.in

વિપક્ષી ગઠબંધનમાં કોઈ મતભેદ હોય તો સાથે બેસીને ઉકેલ લાવવો જોઈએઃ એમ.કે.સ્ટાલિન

Social Share

બેંગ્લોરઃ બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડી’ના અસ્તિત્વ પર સવાલો ઉભા થઈ રહ્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીએમ મોદીના વખાણ કરતા રાજકીય હલચલ વધી ગઈ છે. આ દરમિયાન વિપક્ષી ગઠબંધનમાં મહત્વના ગણાતા નીતિશ કુમારે પીએમ મોદી સરકારના કરેલા વખાણથી વિપક્ષી દળોમાં ખળભળાટ મચી ગઈ છે. દરમિયાન વિપક્ષી ગઠબંધન ઈન્ડીના સહયોગી ડીએમકેએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને ઈન્ડિ એલાયન્સના નેતાઓને વિનંતી કરી છે કે, તેઓ ભાજપ સામેની આ લડાઈને વિભાજિત ન થવા દે.

તિરુચિરાપલ્લીમાં એક કાર્યક્રમને સંબોધતા તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે વિપક્ષી ગઠબંધનની પાર્ટીઓએ એકજૂટ રહેવું જોઈએ. આગામી ચૂંટણીમાં અમારે ભાજપને પાઠ ભણાવવો પડશે. ભાજપ વિરુદ્ધ મતોનું વિભાજન ન થવા દો. જો વિપક્ષી ગઠબંધનમાં કોઈ મતભેદ હશે તો તેને સાથે બેસીને ઉકેલવો જોઈએ. અમારો એકમાત્ર ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ કે, ભાજપ ફરીથી સત્તામાં ન આવે.

દરમિયાન, ભાજપ વિરૂદ્ધ એકત્ર થયેલી તમામ વિપક્ષી પાર્ટીઓમાં આંતરિક વિખવાદ ઉભો થવા લાગ્યો છે. થોડા દિવસો પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ સાથે સીટ શેરિંગ અંગે કહ્યું હતું કે, તેઓ કોઈને સીટ નહીં આપે અને બંગાળમાં એકલા હાથે ટીએમસી ચૂંટણી લડશે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આમ ભાજપને ફરીથી સત્તામાં આવતા રોકવા માટે વિપક્ષી પાર્ટીઓએના ગઠબંધનમાં ભંગાણ પડી રહ્યું છે. દરમિયાન બિહારમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, અમારા દરવાજા તમામ માટે હંમેશા ખુલ્લા છે. આ નિવેદને ફરી એકવાર બિહારની રાજકીય આગમાં બળતણનું કામ કર્યું છે.