Site icon Revoi.in

IMF એ ભારતને AI ક્ષેત્રે ગ્લોબલ પાવર ગણાવ્યું

Social Share

વોશિંગ્ટન, 23 જાન્યુઆરી 2025, ભારત સતત વિકાસ કરી રહ્યું છે, તેમજ આગામી વર્ષોમાં ભારત આર્થિક ક્ષેત્રે વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી તાકાત બનવાની દિશામાં કામ કરી રહ્યું છે. તમામ ક્ષેત્રોમાં ભારતની આગેકુચની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. દરમિયાન આઈએમએફના વડાએ પણ ભારતની પ્રગતિને લઈને પ્રશંસા કરી છે. આઈએમએફ ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ ભારતની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ખાસ કરીને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ) ના નિર્માણ અને આઈટી-સ્કીલ્ડ વર્કફોર્સના મામલે ભારતે નોંધપાત્ર કામ કર્યું છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં ભારતની સંભાવનાઓ અત્યંત મજબૂત અને પ્રભાવશાળી છે. સંસ્થાએ સ્પષ્ટ કર્યું કે ભારત એઆઈના વિકાસમાં અગ્રણી વૈશ્વિક શક્તિઓમાંની એક છે. આઈએમએફના આકલન મુજબ, AI ના ઉપયોગથી વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં 0.8 ટકા સુધીનો વધારો થઈ શકે છે. ભારત પહેલેથી જ એક ગતિશીલ અર્થતંત્ર છે અને હવે એઆઈ સાથે તેની રફ્તાર વધુ તેજ બનશે.

જ્યોર્જીવાએ ઉમેર્યું કે, “ભારત જે રીતે એઆઈને અપનાવી રહ્યું છે અને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે રણનીતિ બનાવી રહ્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે.” એક નાની ગેરસમજ અંગે સ્પષ્ટતા કરતા આઈએમએફએ જણાવ્યું કે, અગાઉની ટિપ્પણી એ માત્ર મોડરેટરની અટકળ હતી, જ્યારે આઈએમએફનું સ્પષ્ટ માનવું છે કે, ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચોઃ IPL : RCBને ખરીદવા માગે છે ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા!

Exit mobile version