Site icon Revoi.in

વાવાઝોડાની અસરઃ ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ વાવાઝોડાને પગલે અમદાવાદ સહિત રાજયભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાનું સંકટ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયું છે પરંતુ તેની અસર હજુ બે દિવસ સુધી જોવા મળશે. રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે બે દિવસ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેંદ્રનગર, રાજકોટ, મોરબી, જામનગરમાં અતિ ભારે વરસાદ પડવાની શકયતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. ગુરુવાર સાંજ સુધી વાતાવરણ પૂર્વવત થવા લાગે તેવી સંભાવના છે. વાવાઝોડાને પગલે રાજ્યભરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.  ધનસુરા તાલુકામાં સાડા ચાર ઈંચ, મોડાસામાં ચાર ઈંચ, બાયડ તાલુકામાં ચાર ઈંચ અને માલપુરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ અનેક ગામોમાં વિજપુરવઠો ખોરવાયો હતો. હવામાન વિભાગે અરવલ્લી, સાબરકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.