નવી દિલ્હી, 14 માર્ચ 2026: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમતોમાં છેલ્લા 15 દિવસની અંદર 40 ટકાથી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં ઊર્જા પુરવઠાને લઈને ગંભીર ચિંતાઓ વધી ગઈ છે. ખાસ કરીને વિશ્વના સૌથી વ્યસ્ત ઓઇલ રૂટ પૈકીના એક ‘હોર્મુઝની સામુદ્રધુની’ પ્રભાવિત થવાથી વૈશ્વિક ઊર્જા બજાર અને વિશેષ કરીને એશિયાઈ દેશો પર ભારે દબાણ વધ્યું છે.
યુદ્ધ શરૂ થતાં પહેલાં ૨૭ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ બેરલ દીઠ આશરે 73 ડોલર પર ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે શનિવાર સુધીમાં તેની કિંમત વધીને લગભગ 103 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. આમ, માત્ર 15 દિવસમાં તેલની કિંમતમાં 73 ડોલરથી 103 ડોલર એટલે કે 30 ડોલરનો વધારો થયો છે, જે લગભગ 41.1 ટકાના ઉછાળા બરાબર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચેનો વર્તમાન સૈન્ય સંઘર્ષ 28 ફેબ્રુઆરીથી વધુ ઉગ્ર બન્યો હતો, જ્યારે અમેરિકી અને ઇઝરાયેલી દળોએ ઈરાનના સૈન્ય મથકો અને ટોચના નેતૃત્વને નિશાન બનાવીને વ્યાપક હુમલા કર્યા હતા. આ ભીષણ સંઘર્ષે વૈશ્વિક ઊર્જા પુરવઠાને લઈને બજારોની ચિંતામાં વધુ વધારો કર્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર આગામી દિવસોમાં પણ વૈશ્વિક બજારો પર સ્પષ્ટ જોવા મળશે. એનરિચ મનીના સીઈઓ પોનમુડી આર. એ જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, કારણ કે રોકાણકારોની નજર સંપૂર્ણપણે આ સંઘર્ષ સાથે જોડાયેલા ઘટનાક્રમ પર ટકેલી રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રોકાણકારો એ વાત પર ચાંપતી નજર રાખશે કે સંબંધિત દેશોના સરકારી અધિકારીઓ અને વૈશ્વિક નેતાઓ તણાવ વધારવા કે રાજદ્વારી ઉકેલ લાવવાની દિશામાં શું સંકેત આપે છે.
આ સંઘર્ષની અસર માત્ર કાચા તેલની કિંમતો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ વૈશ્વિક બોન્ડ યીલ્ડ, કરન્સી માર્કેટ અને રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા પર પણ પડશે. નિષ્ણાતો માને છે કે જો હોર્મુઝની સામુદ્રધુની પરથી તેલ અને ગેસની હેરફેર લાંબા સમય સુધી ખોરવાયેલી રહેશે, તો વૈશ્વિક તેલ પુરવઠો વધુ ખોરવાઈ શકે છે. જેની સીધી અસર એશિયામાં મોંઘવારી વધવા પર પડશે અને વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને દબાણનો માહોલ જળવાઈ રહી શકે છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં IA ટેકનોલોજી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ? વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન

