Site icon Revoi.in

ગુજરાતમાં 51 નગરપાલિકાના ચીફ ઓફિસરોને સોંપાઈ મહત્વની જવાબદારી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની મુદ્દત પૂર્ણ થતી હોવાથી ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. જો કે, કોરોના મહામારીને પગલે ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન જે નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ રહી છે તેના વહીવટ માટે વહીવટી વડા તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસરને પાલિકાઓની રોજબરોજની કામગીરી વહન કરવા માટેના આદેશ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુવિધાઓ જળવાય રહે તેવા ઈરાદાથી મુખ્યમંત્રી દ્વારા 51 નગરપાલિકામાં ચીફ ઓફિસરને રોજબરોજની કામગીરી વહન કરવાના આદેશ કરવામાં આવ્યાં છે. તેમાં ‘અ’ વર્ગની 16, ‘બ’ વર્ગની 23 અને ‘ક’ વર્ગની 12 એક કુલ 51 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. જો કે, ચીફ ઓફિસરો ન કોઈ નીતિવિષયક નિર્ણયો લઈ શકશે નહિ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની શકયતા છે. તેમજ જાન્યુઆરી મહિનામાં આ અંગે ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ પણ કરી દેવામાં આવી છે.