Site icon Revoi.in

બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, ઈજાગ્રસ્ત યુવાનોને લઈને હુમલાખોરો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા

Social Share

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહ જિલ્લામાં ગાયની તસ્કરી મામલે બે યુવાનોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના ભરતપુરની અદાલતે બે યુવકોના અપહરણ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રિંકુ સૈનીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. દરમિયાન, રાજસ્થાનના શિક્ષણ રાજ્ય મંત્રી ઝાહિદા ખાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યું હતું. બને યુવાનોને આરોપીઓ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જો કે, બંને યુવાનોની હાલત જોઈને હાજર પોલીસ અધિકારીએ તેમને લઈને જતા રહેવા સુચના આપી હોવાનું જાણવા મળે છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત આરંભી છે.

રાજસ્થાન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 વર્ષીય નાસિર અને 35 વર્ષીય જુનૈદ પર બુધવારે રાત્રે હરિયાણાના નૂહમાં ચાર લોકોના જૂથે ગાયોની તસ્કરીની શંકામાં હુમલો કર્યો હતો. આ લડાઈમાં બંને ગંભીર રીતે ઘાયલ થયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે એક દિવસ અગાઉ ધરપકડ કરાયેલા એક ટેક્સી ડ્રાઈવર અને ગાય જાગ્રત જૂથના સભ્ય રિંકુ સૈનીએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તે બે પીડિતોને હરિયાણાના ફિરોઝપુર ઝિરકાના નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ ગયો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર સૈની અને અન્ય ગૌસરક્ષો ઈચ્છતા હતા કે હરિયાણા પોલીસ ગાયની તસ્કરી મામલે જુનૈદ અને નાસિરની ધરપકડ કરે, પરંતુ બંને યુવાનોની હાલત ગંભીર લાગતા તેમને જતા રહેવા સુચના આપી હતી. જે બાદ ગણતરીની મિનિટોમાં ગંભીર ઈજાને કારણે જુનૈદ અને નાસિરના મૃત્યુ થયાં હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગૌરક્ષકોએ પોતાના પરિચીતોનો સંપર્ક કર્યો હતો. જે પછી બંને મૃતદેહને કારમાં 200 કિમી દૂર ભિવાની લઈ ગયા હતા. ગુરુવારે સવારે બંને મૃતદેહો અને વાહન પર પેટ્રોલ છાંટી આગ લગાવી દેવામાં આવી હતી. સૈનીના જણાવ્યા મુજબ, ઘટના સ્થળથી દૂર જો મૃતદેહ અને વાહન સળગાવીએ તો કોઈ પણ તેમને પકડી શકશે નહીં.

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના પહાડી જિલ્લાના ઘાટમીકા ગામના રહેવાસી નાસિર (ઉ.વ. 25) અને જુનૈદ (ઉ.વ. 35)ના મૃતદેહ ભિવાનીના લોહારુમાં સળગેલા વાહનમાંથી મળી આવ્યા હતા. આ બંનેનું કેટલાક ગૌ રક્ષકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. રાજસ્થાન પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદના આધારે રિંકુ સૈનીની ધરપકડ કરી હતી. ગોપાલગઢ પોલીસ અધિકારી રામ નરેશ મીનાએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપી રિંકુ સૈનીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ કેસના અન્ય આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જુનૈદ સામે અગાઉ પશુઓની તસ્કરીનો ગુનો નોંધાયા હતા. તેની સામે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં પાંચ કેસ નોંધાયેલા છે. અગાઉ, અધિકારીઓએ દરેક પીડિત પરિવારને 20.5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપીઓમાંથી એક મોહિત યાદવ ઉર્ફે મોનુ માનેસર છે, જે બજરંગ દળના ગુરુગ્રામ જિલ્લા અધ્યક્ષ અને કથિત ગૌ રક્ષા દળનો સભ્ય છે. 7 ફેબ્રુઆરીએ ગુરુગ્રામના પટૌડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસમાં પણ યાદવનું નામ હતું. ફરાર મોહિત યાદવે તાજેતરના વીડિયો બનાવીને આ કેસમાં પોતે નિર્દોષ હોવાનો બચાવ કર્યો હતો.