Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા સિવિલમાં 50 ટકા અને ખાનગી હોસ્પિટલમાં 55 ટકા બેડ ખાલી પડ્યાં

Social Share

અમદાવાદઃ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યા બાદ હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તેથી ડૉક્ટરો તથા પેરા મેડિકલ સ્ટાફે હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થનારા કોરોનાના દર્દીઓમાં 50 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે શહેરમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 55 ટકા બેડ ખાલી થયાં છે.

રાજ્યમાં કોરોનાએ કાલો કહેર વર્તાવ્યો હતો. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાતા હતા. ગત 25 એપ્રિલે અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો પાંચ હજારને આંબી ગયો હતો, જે હવે ઘટીને એક હજાર પર આવી ગયો છે. બીજી તરફ શહેરમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહથી એકપણ નવો ઝોન ઉમેરાયો નથી. જ્યારે મોતની સંખ્યા પણ સિંગલ ડિજિટમાં જોવા મળી રહી છે. એક સમયે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવાનાં ફાંફાં હતાં ત્યાં આજે 55 ટકા બેડ ખાલી પડ્યાં છે. 6565 બેડમાંથી 2963 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં વેન્ટિલેટર સાથેનાં 392 ભરાયેલાં છે અને 36 બેડ ખાલી થયાં છે.

એક સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં 108 એમ્બ્યુલન્સની દોઢ કિમી સુધી લાંબી કતારો લાગતી હતી. એમ્બ્યુલન્સનો એટલો ધસારો રહેતો હતો કે, બેડના અભાવે દર્દીને એમ્બ્યુલન્સ વાનમાં જ સારવાર આપવી પડતી હતી. છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાના કેસોમાં ઘટાડો નોધાઇ રહ્યો છે. અત્યારે સિવિલ પ્રાંગણમાં 1200 બેડની મેડિસિટીમાં જ 594 બેડ ખાલી પડયાં છે.

મેડિસિટી ઉપરાંત કિડની ઇન્સ્ટિટયૂટ, યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયૂટ, કેન્સર રિસર્સ અને મંજુશ્રીમાં કુલ મળીને 2220 બેડ પૈકી 1157 બેડ ખાલી પડ્યાં છે. હાલમાં માત્ર અમુક કિસ્સામાં ગંભીર દર્દીઓ જ આવી રહ્યા છે. સિવિલમાં એક તબક્કે દર્દીઓના ભારણને લીધે રોજ 55-60 ટન ઓક્સિજનનો વપરાશ થતો હતો. અત્યારે 40 ટન ઓક્સિજન વપરાઇ રહ્યો છે. કેસોની સંખ્યામાં ઘટાડો થતાં ઓક્સિજનનો વપરાશ પણ ઘટયો છે.

Exit mobile version