Site icon Revoi.in

અમદાવાદ: રાહુલ ગાંધીએ મોંઘવારી-બેરોજગારી સહિતના મુદ્દે નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

અમદાવાદઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમજ તેમણે સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.  રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ રાજકીય પાર્ટી સાથે નથી, આ લડાઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચેની નથી. સૌથી પહેલા સમજો કે તમે શાની વિરુદ્ધ લડો છો. સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી મૂર્તિ બીજેપીએ બનાવી.

તેમણે વધુમાં કહ્યું કે, સરદાર પટેલ કેમ લડ્યા, શા માટે લડ્યા, કેવી રીતે લડ્યા તે ન જાણ્યું. સરદાર પટેલ એક વ્યક્તિત્વ ન હતા, તેઓ હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. તેઓ ખેડૂતોના હિત માટે કામ કરતા. સરદાર પટેલ વગર અમૂલ પેદા થઈ શક્તુ ન હોત. એક તરફ બીજેપી તેમની મૂર્તિ ઉભી કરે છે, અને બીજી તરફ જે એવા કાયદા લાવ્યા જે ખેડૂતોની વિરુદ્ધમાં હોય. ત્રણ કાયદા લાવ્યા, જેની સામે ખેડૂતો લડ્યા. અને બીજેપીનુ કહેવુ છે કે ખેડૂતો માટે લડે છે. બધાનું વ્યાજ માફ થશે, પરંતું ખેડૂતોનું નહિ થાય. સરદાર પટેલ હોત તો કોનું વ્યાજ માફ થાત. એક તરફ મૂર્તિ બનાવે છે, અને બીજી તરફ તેમની જ વિચારધારા પર આક્રમણ કરે છે.

રાહુલ ગાંધીએ અમદાવાદના રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે, ભાજપે સરદાર પટેલની સૌથી મોટી મૂર્તિ બનાવી. સરદાર પટેલ માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ તે ગુજરાત અને હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. પરંતુ ભાજપ સરકાર સરદાર પટેલની તદન વિરોધમાં કામ કરી રહી છે. આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે અને રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવશે.

રાહુલ ગાંધીએ જનતાને વચન આપ્યું હતું કે, ગુજરાતના પશુપાલકોને પ્રતિ લીટર દૂધ પર 5 રૂપિયા સબસિડી આપીશું. કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતમાં 500 રૂપિયામાં રાંધણ ગેસનો બાટલો આપીશું. ભાજપે હજારો શાળાઓ બંધ કરી પરંતુ અમારી સરકાર બનતા જ ગુજરાતમાં 3000 જેટલી અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ બનાવીશું. કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કોંગ્રેસની સરકાર ચાર લાખ રૂપિયા વળતર આપશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત મોડલમાં ઉદ્યોગપતિઓને જમીનો તરત જ મળી જાય છે પરંતુ ખેડૂતોને જમીન મળતી નથી. ગુજરાત મોડેલ બે-ત્રણ ઉદ્યોગપતિઓનું મોડલ છે. કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના બેરોજગાર યુવાનો માટે દસ લાખ સરકારી નોકરીની ભરતી કરીશું અને બેરોજગાર યુવાનોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું. ગુજરાતના નાગરિકોને 10 લાખ સુધી સારવાર મફત આપીશું અને છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારોની તપાસ કરીને ભ્રષ્ટાચારીઓને જેલમાં ધકેલીશું