Site icon Revoi.in

બિહારમાં નીતિશકુમાર ફરીવાર ભાજપ તરફ ઢળતા રાજકીય ગરમાવો, NDAનો ભાગ બનશે

Social Share

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કૂમાર અને તેમનો જેડીયુ પક્ષ ફરીવાર આરજેડી અને કોંગ્રેસ સાથે છૂટાછેડા લઈને ભાજપ સાથે ગઠબંધન કરી રહ્યો હોવાથી બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવા રચાયેલા સમીકરણોમાં બીજેપી અને જેડીયુ સાથે મળીને ફરી બિહારમાં સરકાર બનાવી શકે છે. શપથ ગ્રહણ સમારોહ 28 જાન્યુઆરીએ રાજભવનમાં યોજવાની અટકળો પણ ચાલી રહી છે. બીજીબાજુ નીતિશને મનાવવા માટે આરજેડીના સુપ્રીમો લાલુ યાદવે વારંવાર ફોન કર્યા છતાંયે નીતિશે ફોન રિસિવ કર્યો નહતો. બીજીબાજુ નીતિશની અનડીએમાં વાપસીને લીધે  ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહાની ચિંતા વધી છે.

બિહારમાં નિતિશના ફરી એનડીએ સાથે ગઠબંધનને લીધે રાજકીય ગરમાવો વધી ગયો છે. આગામી કેટલાક કલાકો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. આરજેડી અને જેડીયુ વચ્ચે ખટાશ વધી રહી છે. બીજેપી અને જેડીયુ સાથે મળીને ફરી સરકાર બનાવી શકે છે. શપથ ગ્રહણ સમારોહ 28 જાન્યુઆરીએ રાજભવનમાં યોજવામાં આવી શકે છે. સીએમ નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર આગામી 24 કલાકમાં રાજીનામું આપી શકે છે. ભાજપ સાથે મળીને નવી સરકાર બનશે. સાથે જ સુશીલ મોદીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

સૂત્રોના કહેવા મુજબ જેડીયુ અને ભાજપ વચ્ચે  સરકાર રચવાની ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી છે. નીતિશ ભાજપના ક્વોટામાંથી સીએમ અને બે ડેપ્યુટી સીએમ બનશે. આ કોઈ પહેલીવાર નથી જ્યારે નીતિશ કુમાર રાજકીય પક્ષો બદલી રહ્યા છે, પરંતુ પાંચ દાયકાની તેમની રાજકીય કારકિર્દીમાં ઘણી વખત પક્ષો બદલી ચૂક્યા છે. બિહારની રાજનીતિમાં નીતિશ કુમાર મુખ્ય રહ્યા છે અને 20 વર્ષથી રાજકારણ તેમની આસપાસ કેન્દ્રિત છે. નીતિશ દસ વર્ષમાં પાંચમી વખત પલટી મારવા જઈ રહ્યા છે. નીતિશે 1974ના વિદ્યાર્થી આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1985માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.ત્યારબાદ નીતિશ કુમારે પાછું વળીને જોયું નથી અને રાજકારણમાં આગળ વધતા રહ્યા. લાલુ પ્રસાદ યાદવ 1990માં બિહારના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ 1994માં નીતિશે તેમની સામે મોરચો ખોલ્યો હતો. નીતિશ અને લાલુ જનતા દળમાં સાથે હતા, પરંતુ રાજકીય મહત્વકાંક્ષાઓને કારણે તેમના સંબંધો અલગ થઈ ગયા હતા.