Site icon Revoi.in

કોરોનાનો લોકોને નથી રહ્યો ડર, જાહેરનામાના ભંગ બદલ 7 દિવસમાં 88 હજાર લોકો ઝડપાયાં

Social Share

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની સામે લડાઈ લડી રહ્યાં છે. તેમજ કોરોનાકાળમાં માસ્ક અનિવાર્ય બન્યું છે. ત્યારે ગુજરાતમાં લોકોને કોરોનાનો કોઈ ડર જ રહ્યો ન હોય તેમ અનેક લોકો માસ્ક વગર ફરતા પકડાય છે. સાત દિવસમાં જ પોલીસે જાહેરનામાના ભંગ બદલ 88 હજારથી વધારે લોકો સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી 8.82 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા સહિતની સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અવાર-નવાર અપીલ કરવામાં આવે છે. જો કે, રાજ્યની પ્રજાને કોરોનાનો ડર જ ન હોય તેમ લોકો માસ્ક વગર ફરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. દરમિયાન માસ્ક વગર ફરતા અને જાહેરમાં થુંકનારાઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં સાત દિવસમાં જ 88593 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ તેમની પાસેથી રૂ. 8.82 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. પોલીસે જાહેરનામાના ભંગની 3832 ફરિયાદ નોંધીને 8536 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 6 હજારથી વધારે વાહન જપ્ત કરવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પોલીસે માસ્ક નહીં પહેરનારાઓ અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનારાઓને ઝડપી લેવા માટે અભિયાન હાથ ધર્યું છે. તેમજ અત્યાર સુધીમાં આવા લોકોને ઝડપી લઈને રૂ. 100 કરોડથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો છે.