Site icon Revoi.in

ગુજરાતમાં ગણતરીના કલાકોમાં રાજકોટ અને વડોદરામાં હાર્ટ એટેકથી બે વ્યકિતના મૃત્યુ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનોમાં હાર્ટએટેકના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં ગણતરીના કલાકોમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત થયા હતા. રાજકોટમાં મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું હ્રદયરોગના હુમલામાં મૃત્યું થયું હતું. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ મનપામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી.પટેલની તાજેતરમાં જ રાજકોટમાં બદલી થઈ છે. દરમિયાન તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જો કે, સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબી તેમને મૃત જાહેર કર્યાં હતા. હાર્ટ એટેકથી મનપાના ઉચ્ચ અધિકારીનું મૃત્યુ થતા મનપાના કર્મચારીઓમાં શોક ફેલાયો હતો.

દરમિયાન વડોદરામાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવી છે. દીપ ચૌધરી નામનો યુવાન વડોદરાની એમએસયુના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો હતો. બોયસ હોસ્ટેલમાં રહીને દીપ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. હોસ્ટેલમાં વિદ્યાર્થી મિત્રો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. જેથી હોસ્ટેલમાં દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થીને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થવાનું તબીબોએ જણાવ્યું હતું. દીપ ચૌધરીના હ્રદય રોગના હુમલાનું મોત થતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.