Site icon Revoi.in

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Social Share

અમદાવાદઃ કચ્છમાં વર્ષ 2001 પછી આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા કચ્છમાં નોંધાય છે. કચ્છના ભૂગર્ભમાં ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોવાથી અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 8 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપનો આંચકો આવતા વહેલી સવારે લોકો ઘરનમાંથી બહાર દોડી ગયા હતા. જો કે, ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની થઈ ન હતી.

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વર્ષ 2001માં ગોઝારો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ કચ્છમાં અવાર-નવાર હળવા આંચકા આવે છે. કચ્છના પાતાળમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાનું જાણવા મળે છે. દરમિયાન ભૂંકપની તીવ્રતા માપવા માટે કચ્છમાં લગભગ 35 સ્થળો ઉપર જીપીએસ લગાવાયા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 2001 બાદ તંત્ર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા ભૂકંપને લઈને અનેક સાવચેતી વર્તવામાં આવી રહી છે. ભચાઉ તાલુકાના વામકા ખાતે એક ખાસ ભૂકંપ સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું જે 24 કલાક કચ્છની ધરતીમાં ધ્રુજારી અંગે નોંધ લે છે. થોડા સમય પહેલા જ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા કચ્છમાં 35 જેટલી જગ્યાઓ પર સંશોધન અર્થે હાઈ પાવર જીપીએસ એન્ટેના મુકવામાં આવ્યા છે. અંજાર, આદિપુર,  નાગલપર સહિત કુલ 35 જેટલી જગ્યાઓ પર આ હાઈ પાવર જીપીએસ એન્ટેના બેસાડવામાં આવ્યા છે જે દરેક મિનિટે તે ભૂમિમાં થતી હલન ચલનને નોંધી તેની વિગતો સાચવે છે. આ જીપીએસ મોબાઈલ અને અન્ય ઉપકરણોમાં આવતા જીપીએસ કરતા અનેક ગણું વધારે તાકાતવર છે અને 0.1 મિલીમિટરનું હલન-ચલન પણ નોંધ કરે છે. આવું જ એક જીપીએસ એન્ટેના ભુજમાં આવેલી કચ્છ યુનિવર્સિટીમાં પણ લગાડવામાં આવ્યું છે.

કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સના હેડ ડૉ. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે આ ઉપકરણ દર મિનિટે તે જમીનમાં થતી હલન ચલનને નોંધે છે. આવી હજારો નોંધણી વર્ષના અંતે ભેગી કરી તેનો સરવાળો કરવામાં આવે છે જેથી ખબર પડે છે કે એક વર્ષમાં તે જમીન પોતાની મૂળ જગ્યાથી કેટલી ખસી છે. તે મુજબ કચ્છમાં આવેલી ચાર ફોલ્ટલાઈન પર કેટલું દબાણ પેદા થાય છે અને તે પ્રમાણે ફોલ્ટલાઈન પર આવેલી પ્લેટને નુકસાન થઈ શકે છે તે મુદ્દે સંશોધન કરાય છે. આ પ્લેટના હલન ચલનથી વિનાશક ભૂકંપ પણ ત્રાટકી શકે છે તેવું ડૉ. ઠક્કરે જણાવ્યું હતું.