Site icon Revoi.in

માતાએ મમતા નેવે મુકીઃ મધ્યપ્રદેશમાં નવજાત બાળકને વેચીને સુખ સુવિધાની વસ્તુઓ ખરીદી

Social Share

ભોપાલઃ મહિલા માટે બાળકને જન્મ આપવો તે તેના માટે બીજા જન્મ સમાન હોય છે અને પોતાની કુખે જન્મેલુ બાળક તેના માટે આંખનું રતન હોય છે પરંતુ મધ્યપ્રદેશમાં માતાએ મમતા નેવે મુકીને 15 દિવસના બાળકને લાખો રૂપિયામાં વેચી માર્યું હોવાનું ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં બાળકને વેચવાથી મળેલા નાણાથી મહિલાએ ટીવી, ફ્રિજ અને કુલર જેવી સુખ સુવિધાની વસ્તુઓ ખરીદી હતી. આ ઘટના સામે આવતા લોકોએ માતા અને બાળક ખરીદનાર દંપતિ સામે ફીટકાર વરસાવી હતી. એટલું જ નહીં આ રેકેટમાં સંડોવાયેલા તમામ સામે આકરી કાર્યવાહીની માંગણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઈંદોર શહેરના ગોરીનગર વિસ્તારમાં રહેતા અંતરસિંહ ઉર્ફે વિશાલ અને શાયના બીએ લગ્ન કર્યાં હતા. આ દંપતિના આ બીજા લગ્ન હતા. મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા વિશાલની બીજી પત્ની શાયના ગર્ભવતી બની હતી. જો કે, મહિલાને શંકા હતી કે આ બાળક વિશાલનું નહીં પરંતુ પહેલા પતિનું હતું. જેથી મહિલાએ આ બાળકને જન્મ આપીને વેચી નાખવાનું કાવતરુ ઘડ્યું હતું. તેમજ કાવતરાને અંજામ આપવા માટે મકાન માલિક નેહા સૂર્યવંશીને સામેલ કરી હતી. આ ઉપરાંત ભાગીરથપુરા વિસ્તારમાં રહેતી પૂજા વર્મા, નેહા વર્મા અને નીલમ વર્મા નામની મહિલાનો સંપર્ક કર્યો હતો. આ મહિલા વચેટિયાઓએ દેવાસ જિલ્લાની લીના નામની મહિલાને રૂ. 5.50 લાખમાં નવજાત બાળકનો સોદો કર્યો હતો. હોસ્પિટલમાં શાયના બીએ બાળકને જન્મ આપ્યાના માત્ર 15 દિવસમાં જ નવજાતને મહિલા વચેટિયાઓ મારફતે લીનાને વેચ્યું હતું.

સમગ્ર ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારી સતીશ પટેલએ જણાવ્યું હતું કે, દેવાસની લીનાને રૂ. 5.50 લાખમાં બાળકનો સોદો કર્યો હતો. મહિલા વચેટિયાઓએ આ રકમમાં પોતાનો હિસ્સો લઈને શાયના અને તેના પતિને રૂ. 2.70 લાખને આપ્યાં હતા. આ નાણાથી દંપતિએ સુખ સુવિધાઓની વસ્તુઓ વસાવી હતી. દંપતિએ નાણાથી ટીવી, ફ્રીજ, કૂલર, વોશિંગ મશીન અને મોટરસાઈકલ સહિતની વસ્તુઓની ખરીદી કરી હતી. એક સમાજ સેવકે પોલીસને ફરિયાદ કરતા પોલીસે બાળકને લીના પાસેથી કબ્જો લીધો હતો. તેમજ શાયના બી, પૂજા વર્મા, નેહા સૂર્યવંશી, નેહા વર્મા, નીલમ વર્મા અને એક સગીરને ઝડપી લીધા હતા. જ્યારે અંતરસિંહ તથા અન્ય એક આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

Exit mobile version