Site icon Revoi.in

મીડિયોત્સવ-2024માં સ્પર્ધા મનોરંજન અને માહિતીનો સંગમ થયો

Social Share

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ એનઆઈએમસીજે દ્વારા રવિવારે મિડીયોત્સવ-૨૦૨૪નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા શિક્ષણ સાથે સંકળાયેલા અને અન્ય અભ્યાસક્રમોમાં ભણતા 30 જેટલી કોલેજના 130થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ તાજેતરમાં રિલીઝ થયેલી ભાતીગળ ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ના નિર્માતા-નિર્દેશક વિજયગીરી બાવાની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઈ જૈન, નિયામક ડૉ. શિરીષ કાશીકર અને નાયબ નિયામક ઇલાબેન ગોહિલ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં ત્રણ સ્થળો પર વિવિધ મીડિયાલક્ષી સ્પર્ધાઓ જેવી કે ન્યુઝ એન્કરિંગ,ફોટોગ્રાફી, શોર્ટ-ફિલ્મ અને ડોક્યુમેન્ટરી મેકિંગ, એડ-મેડ, રેડિયો જોકી, ડિબેટ, વકતૃત્વ, ક્વિઝ અને ભારતીય વેશભૂષામાં રેમ્પ વોક યોજાયા હતા. આ ઉપરાંત સંસ્થાના વિદ્યાર્થીઓએ ભારતીય નૃત્યો અને ગીતોથી સમગ્ર કાર્યક્રમને જીવંત રાખ્યો હતો.

સંસ્થના નિયામક પ્રો.(ડૉ.) શિરીષ કાશીકરના જણાવ્યા અનુસાર, કાર્યક્રમના અંતે આગામી સમયમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘વેનીલા આઈસ્ક્રીમ’ના નિર્માતા-નિર્દેશક તથા કલાકારો સતિષ ભટ્ટ, અર્ચન ત્રિવેદી જોડાયા હતા તથા ફિલ્મના રસપ્રદ ભાષાઓ વિશે માહિતી આપી હતી. પૂર્ણાહુતિ સમારોહમાં દરેક સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરાયા હતા. પત્રકારત્વ અને મનોરંજન જગત સાથે જોડાયેલા મહાનુભાવોએ વિવિધ સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે સેવાઓ આપી હતી. સમગ્ર મિડીયોત્સવ-2024ને સફળ બનાવવા સંસ્થાના પ્રાધ્યાપક કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા,પાયલ ભાલાણી સહાયકો નિખિલ યાદવ, માનસી સરવૈયા તથા વિદ્યાર્થીગણે જેમજ ઉઠાવી હતી.