Site icon Revoi.in

અમદાવાદમાં પીરાણા આગકાંડમાં મૃતકોને 15 લાખ અને ઈજાગ્રસ્તોને 5 લાખનું વળતર ચુકવાશે

Social Share

 

અમદાવાદઃ ગુજરાતમાં હાહાકાર મચાવનારા પીરાણા આગકાંડમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મૃતકોના પરિવારજનોને 15 લાખ અને ઈજાગ્રસ્તોના પરિવારજનોને 5 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રાજ્યમાં ફેબ્રુઆરીથી નવેમ્બરના સમયગાળા દરમિયાન આગની 14 મોટી ઘટના બની હોવાની પણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં રજૂઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પીરાણા આગકાંડ મુદ્દે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા લોકસુનાવણી યોજાઈ હતી. જેમાં પીડિત પરિવારોએ જણાવ્યું હતું કે, સરકારની રૂ. 4 લાખની સહાય મળી છે. પરંતુ કંપની દ્વારા જાહેર કરાયેલી 15 લાખની સહાય મળી નથી. તેમજ કંપનીમાં વળતર અંગેની રજૂઆત કરવામાં આવી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે અમે માત્ર ઘટનાના પુરાવા જ લીધા છે. હજી આ ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે, જેથી અમે સરકાર કે અન્ય અધિકારીઓ વિશે કશું કહી ના શકીએ. આજે માત્ર આઠ વ્યક્તિ જ આવી હતી, જેમાં કંપની તરફથી કોઈ હાજર રહ્યું નહોતું, જેથી તેમને હવે સાંભળવામાં નહીં આવે. આજે માત્ર સાક્ષીઓને બોલાવીને તેમની રજૂઆત સાંભળી છે. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હોવાથી કલેકટર અને કોર્પોરેશને તમામ વિગતો આપવી પડશે. આ બાબતે કમિટીની બેઠક મળશે, જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. હાલમાં ટ્રિબ્યુનલે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 15 લાખ તથા ઈજાગ્રસ્તને 5 લાખ આપવાનો આદેશ કર્યો છે.

રાજ્યમાં ફેબ્રુઆરીથી નવેમ્બર મહિના સુધીની આગની ઘટનાઓનો રિપોર્ટ ગ્રીન ટ્રિબ્યુનલમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સમગ્ર રાજ્યમાં આગની 14 ઘટના બની હતી, જેમાં 40 લોકો મોતને ભેટ્યા અને 172 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પીરાણા ખાતે આગનો બનાવ બન્ચા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સફાળું જાગ્યું અને 40 જેટલી ફેક્ટરીઓ, કેમિકલ ગોડાઉનો બંધ કરાવ્યાં છે.