Site icon Revoi.in

સુરતમાં સિટીબસે રાહદારીને અડફેટે લેતા લોકોના ટોળાંએ બસને સળગાવી દીધી

Social Share

સુરતઃ શહેરમાં બેફામ દોડતી બીઆરટીએસ બસે રાહદારીને અડફેટે લેતા લોકોના ટોળાંએ બસને આગ ચાંપી દીધી હતી. શહેરના સરથાણા નજીકના ડાયમંડનગરમાં રાહદારીને ટક્કર મારતા સિટી બસને લોકોએ સળગાવી દેતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ બનાવ બાદ ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર 6 જેટલા વ્યકિતઓની ઓળખ કરી લીધી હતી. અને 3ની અટકાયત પણ કરી હતી.

સરથાણા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે BRTS રૂટ પર એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરફાટ ઝડપે આવેલી બીઆરટીએસ બસે અડફેટે લેતાં યુવક બેભાન થઈ ગયો હતો. જેથી તાત્કાલિક 108ની મદદથી ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે ત્યાર બાદ ભેગા થયેલા લોકોના ટોળાંએ રોષમાં આવી બસને આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ બાદ પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. બસને આગ લગાડનારા 6 જણાની ઓળખ કરવામાં આવી છે, જે પૈકી 3ને ડિટેન કરાયા છે. આજે CCTV ફૂટેઝના આધારે આગળની તપાસ હાથ ધરાશે.

શહેરમાં સરથાણા વિસ્તારમાં સિટી બસને આગ લગાડવામાં આવી હોવાની જાણ થતા ફાયરના જવાનોએ ઘટનાસ્થળે દોડી જઈને બસની આગને કાબૂમાં લીધી હતી. ઘટના બાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ ટોળાને વેરવિખેર કરી દીધા હતા. જોકે આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર-કંડકટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના ફાયરબ્રીગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે,  કોલ લગભગ રાત્રે 9:30 વાગ્યાનો હતો. કોલ મળતાં જ અમારી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લોકોનાં ટોળાંએ આખી બસ સળગાવી દીધી હતી. પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી.