Site icon Revoi.in

પાકિસ્તાનમાં મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ વધતી મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે ઈમરાને ઘણા વચનો આપ્યા હતા પરંતુ તેને પૂરા કરવાનો પ્રયાસ કર્યો નથી. આ રેકોર્ડબ્રેક મોંઘવારીએ જનતાને ઈમરાન સામે ઉભી કરી દીધી છે.

પાકિસ્તાનમાં પેટ્રોલ-ખાંડ-દૂધ સહિતની અનેક ચીજવસ્તુઓના ભાવ વધતાં હોબાળો થયો હતો. પાકિસ્તાનમાં મોંઘવારી 70 વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. પેટ્રોલ 150 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચ્યું છે, જ્યારે ખાંડ પણ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ઈમરાનની સરકાર માત્ર અમીરોની હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં 10 કિલો લોટનો ભાવ રૂ. 720, એક લિટર દૂધ ભાવ રૂ.150, 1 કિલો ચિકનના ભાવ રૂ 340, એક કિલોનો ભાવ ખાંડ રૂ. 100, એક ડઝન ઈંડાનો ભાવ રૂ. 141, એક કિલો ટમેટાનો ભાવ રૂ. 80, એક કિલો બટેટાનો ભાવ રૂ. 55 અને એક કિલો ડુંગળીનો ભાવ રૂ. 52 સુધી પહોંચ્યો છે.

મોંઘવારીએ ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની હાલત અત્યંત ખરાબ કરી દીધી છે. પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થોની કિંમતો બમણી થઈ ગઈ છે, જ્યારે ઘી, તેલ, લોટ અને ચિકનના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે. પાકિસ્તાનના ફેડરલ બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સ (FBS) અનુસાર, ઑક્ટોબર 2018 થી ઑક્ટોબર 2021 સુધીમાં વીજળીના દરમાં 57 ટકાનો વધારો થયો છે, જે એક રેકોર્ડ છે.

અવિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે વિપક્ષ પર નિશાન સાધતા ઈમરાન ખાને કહ્યું હતું કે તેઓ ‘બટેટા, ટામેટાં’ના ભાવને નિયંત્રિત કરવા માટે રાજકારણમાં આવ્યા નથી. ઈમરાન ખાનના આ અસંવેદનશીલ નિવેદન પર વિપક્ષે પણ પ્રહારો કર્યા હતા અને લોકોએ ઈમરાનની સામે નારાજગી વ્યક્ત કરીને દેખાવો યોજ્યાં હતા.