- વંદે માતરમ ભવન હિન્દુ સમાજનું કેન્દ્રબિંદુ બનશે: સુનિલભાઈ મહેતા
- સારા કાર્ય માટે આપણું દાન સ્વીકારવું એ જ આપણું અહોભાગ્યઃ હેમચંદભાઈ જગાણીયા
પાલનપુર, 24 જાન્યુઆરી, 2026 – Vande Mataram Bhavan રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી બનાસકાંઠા ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા “વંદે માતરમ ભવન” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ લોકાર્પણ ગઈકાલે 23 જાન્યુઆરીને વસંત પંચમીના શુભ દિવસે થયું હતું. કાર્યક્રમમાં હિન્દુ સમાજના અગ્રણી સાધુ-સંતો, સમાજના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો અને સ્વયંસેવકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભવનનો શુભારંભ સાધુ-સંતોના મંગલ પ્રવેશથી કરવામાં આવ્યો. વૈદિક પરંપરા અનુસાર યજ્ઞ દ્વારા ભવન ભવનની લોકાર્પણ વિધિ થઈ, લોકાર્પણ સમારંભ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સામાજિક અગ્રણી હેમચંદભાઈ જગાણીયા રહ્યા. પ્રાસંગિક સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે સારાં કાર્યો માટે આપણું દાન સ્વીકારાય એ જ આપણું અહોભાગ્ય છે, આ કાર્યાલય શક્તિ કેન્દ્ર બની તેનો વિકાસ થાય તથા સંઘનું કામ ઘર ઘર સુધી પહોંચે તેવું હું ઇચ્છું છું.
કાર્યક્રમના મુખ્ય વક્તા RSS ના અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતા રહ્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે “ભવન બાદ સ્વયંસેવકોની ખરી કસોટી છે, કારણ કે સંઘનું કામ ભવનોમાં નહીં પરંતુ મેદાનોમાં જ થાય છે. હવે સંઘની દશા બદલાઇ છે, પરંતુ દિશા તો એની એ જ રહેવી જોઈએ. વંદે માતરમ ભવન માત્ર સ્વયંસેવકો માટે નથી પરંતુ વિવિધ ક્ષેત્રો તથા હિન્દુ સમાજ માટે છે આ ભવન ભવિષ્યના સમાજનું કેન્દ્રબિંદુ બનશે.”

