Site icon Revoi.in

ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો

Social Share

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે. 

આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.

આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીશ્રીઓ જોડાયા હતા. આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પરિવહન સેવામાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ એસટી નિગમના કર્મચારીઓ પોતાની પડતર માંગણીના ઉકેલ માટે સતત રજુઆત કરી રહી છે. દરમિયાન એસટી નિગમના ફિક્સ પગારદાર કર્મચારીઓના પગાલ વધારાના નિર્ણયથી કર્મચારીઓમાં ખુશી ફેલાઈ છે.