નવી દિલ્હીઃ સંસદના શીતકાળીન સત્રની શરૂઆત પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે શીતકાળીન સત્ર માત્ર એક પ્રથા નથી, પરંતુ દેશને પ્રગતિના માર્ગ ઉપર ઝડપથી લઈ જવા માટે ઉર્જા પૂરું પાડવાનું મહત્ત્વનું માધ્યમ છે. તેમણે કહ્યું કે ભારતે લોકશાહીને જીવી છે અને સમયાંતરે લોકશાહીના ઉત્સાહ તથા ઉમંગને પ્રગટ કર્યો છે, જેના કારણે લોકશાહીના પ્રતિ વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે તાજેતરમાં થયેલી બિહાર ચૂંટણીમાં વધેલા મતદાને લોકશાહીની તાકાત દર્શાવી છે. ખાસ કરીને મહિલાઓની વધતી ભાગીદારી દેશ માટે નવી આશા અને વિશ્વાસનું સંદેશ આપતી હોવાનું તેઓએ ઉમેર્યું. “ભારતે સાબિત કર્યું છે કે ડેમોક્રસી કેન ડિલિવર,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
પીએમ મોદીએ જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થા જે ગતિએ નવી ઊંચાઈઓ સર કરી રહી છે, તે વિકસિત ભારતની દિશામાં નવા વિશ્વાસનો સંચાર કરે છે. શીતકાળીન સત્ર દેશ અને જનતાના હિત માટે સંસદ શું વિચારે છે, શું કરે છે અને કેવી રીતે કામ કરે છે તે દર્શાવવાનો મહત્વપૂર્ણ સમય છે.
તેમણે તમામ રાજકીય પક્ષોને સંદેશ આપતાં કહ્યું કે હારની બૌખલાટ કે જીતનો અહંકાર બન્ને ફિલ્મની જેમ સંસદના કાર્યમાં દેખાવું ન જોઈએ. “રાષ્ટ્રની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને જવાબદારીપૂર્વક ચર્ચા થવી જોઈએ,” એમ તેઓએ જણાવ્યું હતું.
પી.એમ. મોદીએ ચિંતા વ્યક્ત કરી કે ઘણા નવા અને યુવા સાંસદોને સંસદમાં પોતાની ક્ષમતાનો પરિચય આપવાની તક મળી રહી નથી. તેમણે તમામ પક્ષોને અપીલ કરી કે તેઓ યુવા નેતાઓને પૂરતી તક આપે જેથી તેઓ પોતાના વિસ્તારની સમસ્યાઓ અને રાષ્ટ્રના મુદ્દાઓ અંગે સક્રિય રીતે અવાજ ઉઠાવી શકે.
મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: “ડ્રામા કરવા માટે ઘણી જગ્યાઓ છે, પરંતુ સંસદ ડ્રામાનો નહીં, ડિલિવરીનો મંચ છે. નારો આપવા માટે આખો દેશ છે, અહીં નીતિ અને રાષ્ટ્ર નિર્માણ પર ચર્ચા થવી જોઈએ.” તેમણે રાજનીતિમાં નકારાત્મકતા ક્યારેક ઉપયોગી બનતી હોવા છતાં, રાષ્ટ્ર નિર્માણ માટે સકારાત્મક અને સર્જનાત્મક દ્રષ્ટિકોણ જરૂરી હોવાની સલાહ આપી.

