Site icon Revoi.in

ભારતને જોડાણો અને સાથસહકારથી વિશ્વના અર્થતંત્રનું એન્જિન બનવાની આશા: પિયૂષ ગોયલ

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા, ખાદ્ય અને સરકારી વિતરણ અને કપડાં મંત્રી પિયૂષ ગોયલે વ્યવસાયોને તેમની રીતોમાં પર્યાવરણને અનુકૂળ અને સતત વિકાસ માટેનો અભિગમ અપનાવવા જણાવ્યું હતું. તેમણે વ્યવસાયોને જી20ની સાથે બી20 મંચનો ઉપયોગ આપણે કેવી રીતે સતત અને સમાન ભવિષ્યના એજન્ડા માટે ખભેખભો મિલાવીને કામ કરીએ શકીએ એનો વિચાર કરવા પણ જણાવ્યું હતું. તેમણે ગાંધીનગરમાં ઇન્સેપ્શન મીટિંગ ઓફ બિઝનેસ (બી20)ને સંબોધન કર્યું હતું, જે વૈશ્વિક વ્યવસાયિક સમુદાય સાથે જી20 સંવાદ માટે અધિકૃત મંચ છે. ભારતને જોડાણો અને સાથસહકાર દ્વારા વિશ્વના અર્થતંત્રનું એન્જિન બનવાની આશા છે. ભારતમાં ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય કરનાર વ્યવસાયોની વૃદ્ધિ અને વિસ્તરણ થશે, જે માટે નવી અને ડિઝાઇન ધરાવતા નવા ઉત્પાદનો પેદા કરવાની આપણી સ્પર્ધાત્મકતા અને ક્ષમતા જવાબદાર છે.

કેન્દ્રીય મંત્રી ગોયલે આજે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે, નેતાજી આપણા સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી સ્વતંત્રતાસેનાનીઓ પૈકીના એક હતા. નેતાજીએ એવા દેશની કલ્પના કરી હતી, જેમાં દેશનો દરેક નાગરિક રાષ્ટ્રની સમૃદ્ધિમાં હિસ્સો ધરાવતો હોય. તેમણે પીએમ નરેન્દ્ર મોદીના ‘વસુધૈવ કુટુમ્બકમ’, શાંતિ અને સંવાદ, વ્યવસ્થિત અને સર્વસમાવેશક વૃદ્ધિના વિઝન તથા માનવીય અભિગમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત એક જવાબદાર વૈશ્વિક રાષ્ટ્ર બનવા ઇચ્છે છે, પછી એ આબોહવામાં પરિવર્તનના ક્ષેત્રમાં હોય કે ડિજિટલ સરકારી માળખાગત સુવિધાઓ ઊભી કરવાના ક્ષેત્રમાં હોય. ગોયલે જણાવ્યું હતું કે, ભારતમાં જી20ની થીમ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય – દ્વારા અમે દુનિયાને એકબીજાની કાળજી લેવાની, વધુને વધુ સંવાદ કરવાની તથા આપણા બાળકોના ભવિષ્ય અને પૃથ્વી માટે વિશેષ ચિંતા કરવા પ્રેરિત કરવા ઇચ્છીએ છીએ.

મહાત્મા ગાંધીને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, આપણને આ દુનિયા ટ્રસ્ટીઓ તરીકે વારસામાં મળી હતી અને આગામી પેઢી માટે સારી દુનિયા પાછળ છોડીને જવી આપણી ફરજ છે. આપણે આંતરપેઢીય ભાગીદારીનું સન્માન કરવું જોઈએ, આપણે આ પૃથ્વીના તમામ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવાનો અધિકાર ધરાવતા નથી.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ભારત સતત વિકાસ માટે હંમેશા મોખરે રહ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પર્યાવરણલક્ષી લક્ષ્યાંકો સ્વીકારવામાં અને તેનો અમલ કરવામાં દુનિયામાં ટોચના 5 દેશોમાં ભારત સ્થાન ધાવે છે. ભારત નિયમિતપણે યુએનએફસીસીસી રિપોર્ટ રજૂ કરે છે અને વર્ષ 2030 માટેના એના લક્ષ્યાંકોથી વધારે સફળતા હાંસલ કરી છે, વર્ષ 2021માં એની સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જા 40 ટકા હિસ્સો ધરાવે છે. ભારત સતત વિકાસના દરેક લક્ષ્યાંકને અતિ ગંભીરતાપૂર્વક લે છે.

ભારતની વૃદ્ધિની રોમાંચક સફર પર બોલતાં ગોયલે જણાવ્યું હતું કે, કેટલીક આફતો આવી હોવા છતાં છેલ્લાં ત્રણ દાયકામાં ભારતે લગભગ 12 ગણી વૃદ્ધિ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમાજના દરેક વર્ગ સુધી અને દેશના અંતરિયાળ વિસ્તારોમાં સર્વસમાવેશક વૃદ્ધિના લાભ પહોંચાડવા સરકારે પરિવર્તનકારક પગલાં લીધા છે.