નવી દિલ્હી, 3 માર્ચ 2026: ઈરાન પર થયેલા હુમલા અને ત્યારબાદની જવાબી કાર્યવાહીએ પશ્ચિમ એશિયાના સમુદ્રી માર્ગોને અત્યંત જોખમી બનાવી દીધા છે. આ વધતા સુરક્ષા ખતરાને જોતા શિપિંગ કંપનીઓએ અખાતી દેશો માટેના માલભાળામાં કન્ટેનર દીઠ 2,000 થી 4,000 ડોલર એટલે કે, આશરે રૂ. 1.65 લાખથી રૂ. 3.30 લાખ સુધીનો વધારાનો ‘ઇમરજન્સી કોન્ફ્લિક્ટ ચાર્જ’ ઝીંકી દીધો છે. આ આકરા વધારાને કારણે ભારતનો નિકાસ વેપાર વ્યવહારિક રીતે ઠપ થઈ ગયો છે.
ઉદ્યોગ અને સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 2 માર્ચથી લાગુ કરવામાં આવેલા આ વધારાના શુલ્કે નિકાસકારોનું ગણિત બગાડી નાખ્યું છે. શિપિંગ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે સંવેદનશીલ સમુદ્રી માર્ગો પર ઓપરેશનલ રિસ્ક વધવાને કારણે આ હંગામી ચાર્જ ઉમેરવામાં આવ્યો છે. બીજી તરફ, ભારતીય વાણિજ્ય મંત્રાલયે આ ગંભીર પરિસ્થિતિની સર્વોચ્ચ પ્રાથમિકતાના આધારે સમીક્ષા શરૂ કરી છે.
ભારતથી ઇરાક, બહેરીન, કુવૈત, યમન, કતાર, ઓમાન, યુએઈ, સાઉદી અરેબિયા જેવા દેશોમાં જતી અને ત્યાંથી આવતી તમામ શિપમેન્ટ પર આ નવા ચાર્જ લાગુ થયો હોવાનું જાણવા મળે છે. અન્ય મહત્વના બંદરો જેવા કે, જોર્ડન, ઇજિપ્તનું આઇન સોખાના પોર્ટ, જિબુટી, સુદાન અને એરિટ્રિયા ઉપર પણ ચાર્જમાં વધારો થયાનું જાણવા મળે છે.
સંકટનું બીજુ પાસું એ છે કે બંદરો પર માલ ભરેલા કન્ટેનર અટવાયા છે. જે કન્ટેનર લોડ થવાના હતા તેને હાલ અટકાવી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પોર્ટ ઓપરેટર્સ દરરોજ કન્ટેનર દીઠ આશરે 100 ડોલર એટલે કે રૂ. 8,000થી વધુ ગ્રાઉન્ડ ચાર્જ વસૂલી શકે છે, જે નિકાસકારો માટે પડતા પર પાટું સમાન છે. માત્ર સમુદ્રી જ નહીં, હવાઈ માર્ગે મોકલવામાં આવતી કૃષિ પેદાશોની ખેપ પણ હાલ રોકી દેવામાં આવી છે.
થિંક ટેન્ક ‘ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ’ના આંકડા મુજબ, વર્ષ 2025 માં ભારતે ઈરાનને અંદાજે 124 કરોડ ડોલરની નિકાસ કરી હતી. જેમાં મુખ્યત્વે ચોખા (74.7 કરોડ ડોલર), કેળા (6.1 કરોડ ડોલર) અને ચા (5.1 કરોડ ડોલર)નો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે જો સમુદ્રી માર્ગો લાંબા સમય સુધી બાધિત રહેશે, તો ભારતની કૃષિ નિકાસ પર તેની વ્યાપક અને તાત્કાલિક અસર જોવા મળશે.

