Site icon Revoi.in

પશ્ચિમ એશિયામાં યુદ્ધના સંકટ વચ્ચે પણ ભારત 7.7%ના ગ્રોથ રેટ સાથે આગળ વધ્યું: PM મોદી

Social Share

નવી દિલ્હી, 20 જુલાઈ 2026: સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં મીડિયાને સંબોધિત કરતા દેશની આર્થિક તાકાત, યુવાનોના કૌશલ્ય અને વૈશ્વિક પડકારો વિશે મહત્વપૂર્ણ વાત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બનીને ઉભરી આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર અંગે વાત કરતા કહ્યું કે, “ભારત જેવા દેશો જે ઊર્જા (ઈંધણ) માટે અન્ય દેશો પર નિર્ભર છે, તેમના માટે આ યુદ્ધ એક મોટું સંકટ બનીને આવ્યું હતું. આ કારણે પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને ખાતર જેવા દરેક ક્ષેત્રમાં અનેક અડચણો ઉભી થઈ હતી. આમ છતાં, ભારત 7.7% ના વિકાસ દર સાથે વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી ગતિએ આગળ વધતું રહ્યું છે. આ ભારતની ક્ષમતા અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે.”

દેશમાં થઈ રહેલા આર્થિક અને નીતિગત સુધારાઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત આજે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર થઈને આગળ વધી રહ્યું છે. આ સુધારાઓના પરિણામે જ આજે દેશનો યુવા વર્ગ આટલું મોટું સાહસ કરવાની હિંમત દાખવી રહ્યો છે અને તેમાં સફળ પણ થઈ રહ્યો છે.

છેલ્લા એક મહિના દરમિયાન દેશ દ્વારા પ્રાપ્ત કરાયેલી સફળતાઓની ચર્ચા કરતા તેમણે ઉમેર્યું કે, “ગત વર્ષે ચોમાસુ સત્ર પહેલા જ એક ભારતીય નાગરિક આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર પહોંચ્યો હતો અને હાલમાં જ ભારતના એક યુવા સ્ટાર્ટઅપે અંતરિક્ષ ક્ષેત્રે ખૂબ મોટી સિદ્ધિ હાસિલ કરી છે. આ માત્ર સંયોગ નથી પણ એક મજબૂત સંદેશ છે કે દેશના યુવાનોની ક્ષમતા અને આકાંક્ષાઓ અંતરિક્ષ જેટલી જ અસીમ છે.”

સંસદના ચોમાસુ સત્ર અંગે વાત કરતા વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે જે રીતે ચોમાસું સક્રિય હોય ત્યારે સારું પરિણામ આપે છે, તેવી જ રીતે જો સંસદનું આ સત્ર પણ સક્રિય રહેશે તો ખૂબ જ ઉત્પાદક સાબિત થશે, જેનાથી દેશનું કલ્યાણ થશે.

Exit mobile version