Site icon Revoi.in

મોબાઈલ મેન્યુફેકચરીંગમાં સમગ્ર વિશ્વમાં ભારત બીજા નંબર ઉપરઃ કેન્દ્રીય મંત્રી

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વિદ્યાનગર ખાતે આવેલી ચારૂત્તર વિદ્યા મંડળ યુનિવર્સિટીની મુલાકાત લઈ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રજુ કરેલા સ્ટાર્ટઅપ પ્રોજેકટને નિહાળ્યા હતા, અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, યુપીઆઈ ટ્રાન્ઝેકશનમાં આપણે સમગ્ર વિશ્વમાં મોખરે છીએ. ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરીંગમાં આપણે હરણફાળ ભરી છે. જ્યારે મોબાઈલ મેન્યુફેકચરીંગમાં આપણે વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા થયા છીએ.

‘‘ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા’’ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં કેન્દ્રીય રાજય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતુ કે, આવનારો દાયકો ભારતનો છે. આવનારા ૧૦ વર્ષ “ન્યૂ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા” ના સૂત્રને સરકાર અને યુવાઓ સાથે મળીને સાર્થક કરશે. આજે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોઈ મોટા પરિવાર સાથે જોડાયેલા હોવું જરૂરી નથી. સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અને અન્ય સહાયો સ્ટાર્ટઅપને વિચારબીજની શરૂઆતથી લઇને માર્કેટમાં લઇ જઇને સ્કેલઅપ કરવા સુધીનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ ટ્રિલિયન ડોલરની ભારતની ઈકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખૂબ મોટી ભૂમિકા ભજવશે. આ પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રદાન ડિજિટલ ઈકોનોમીનું હશે. આગામી વર્ષોમાં ભારતમાં ભરપૂર તકો રહેલી છે. આ તકનો લાભ આજના યુવાનોએ જરૂરથી લેવો જોઈએ. મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.

આજે ભારત સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહિસકતાના મોટા માર્કેટ તરીકે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, એટલું જ નહી આજે વ્યાપાર માટે સમગ્ર વિશ્વમાં ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહયું છે, તેમ જણાવી મંત્રીએ કહયું હતુ કે, ઈન્ટરનેટ, ટેકનોલોજી, ડિજિટલ સેવાઓ, સ્પેસ ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રમાં ભારતના ઘણા સ્ટાર્ટઅપ ઊભરી આવ્યા છે. એટલું જ નહીં, આજે ભારત સેમીકન્ડકટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, જેના પરિણામે 2013-14 માં 500 સ્ટાર્ટઅપ હતા જે આજે 61,400 એ પહોંચ્યા છે. આજે આપણે 100 યુનિકોર્ન સ્ટાર્ટઅપ સાથે વિશ્વમાં ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું છે.

મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતુ કે, ભારતમાં ટેકનોલોજી અને સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે રહેલી વિશાળ તકો દેશમાં “Techade of opportunities” સર્જશે.

મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતુ કે, વડાપ્રધાનના ડિજિટલાઈઝેશનના વિચારના કારણે આજે આપણે વિશ્વના સૌથી વિશાળ ફિનટેક ઈકો સીસ્ટમ તરીકે ઉભરી રહયાં છીએ, આજે ડિજિટલ ટેક્નોલોજી વડે સરકાર દ્વારા પહોંચાડાતી સહાય સીધી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBTના માધ્યમથી પહોંચે છે. યુપીઆઈ ટ્રાન્ઝેકશનમાં આપણે સમગ્ર વિશ્વમાં મોખરે છીએ. ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરીંગમાં આપણે હરણફાળ ભરી છે. જ્યારે મોબાઈલ મેન્યુફેકચરીંગમાં આપણે વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા થયા છીએ.