Site icon Revoi.in

ભારતનું આકાશ બનશે અભેદ્ય: રશિયાથી આવી ચોથી S-400 સુદર્શન મિસાઈલ સ્ક્વોડ્રન

Social Share

નવી દિલ્હી, 4 જૂન 2026: દેશની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત અને અભેદ્ય બનાવવા તરફ ભારતે વધુ એક મોટી સફળતા હાસલ કરી છે. રશિયા તરફથી અત્યાધુનિક S-400 ‘સુદર્શન’ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ચોથી સ્ક્વોડ્રન ભારત પહોંચી ગઈ છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અત્યાધુનિક સિસ્ટમનો પહેલો જથ્થો દરિયાઈ માર્ગે જહાજ દ્વારા ભારત લાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ તેને ભારતીય વાયુસેનાના નિર્ધારિત ઓપરેશનલ એરિયામાં તૈનાત કરી દેવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નવી સ્ક્વોડ્રનને પાકિસ્તાનને અડીને આવેલી ભારતની પશ્ચિમી સરહદ પર તૈનાત કરવામાં આવશે, જેથી સરહદ પારથી થતી કોઈપણ હવાઈ નાપાક હરકતનો તાત્કાલિક અને જડબાતોડ જવાબ આપી શકાય. આ નવી S-400 સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિસિઝન-સપોર્ટ ક્ષમતાથી સજ્જ છે.

વરિષ્ઠ સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ AI ટેકનોલોજી ઓપરેટરોને હવાઈ જોખમો અને દુશ્મનના મિસાઈલ-વિમાનોને ઝડપથી ઓળખવામાં તેમજ તેમને પ્રાથમિકતાના આધારે ટાર્ગેટ કરવામાં મદદ કરશે. જોકે, મિસાઈલ છોડવાનો અંતિમ નિર્ણય સંપૂર્ણપણે માનવ ઓપરેટરના હાથમાં જ રહેશે. આ સિસ્ટમ 600 કિલોમીટરના અંતર સુધીના ટાર્ગેટને ડિટેક્ટ (ઓળખી) કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતે ઓક્ટોબર 2018માં રશિયા સાથે અંદાજે 5.43 બિલિયન ડોલર (આશરે 40 હજાર કરોડ રૂપિયા) માં પાંચ S-400 સ્ક્વોડ્રન ખરીદવાનો કરાર કર્યો હતો. આમાંથી ત્રણ સ્ક્વોડ્રન અગાઉ જ આવી ચૂકી છે, જેમને પંજાબ-જમ્મુ, રાજસ્થાન-ગુજરાત અને સિક્કિમ સેક્ટરમાં તૈનાત કરીને દેશની ઉત્તરીય અને પશ્ચિમી સરહદો પર મજબૂત સુરક્ષા કવચ બનાવવામાં આવ્યું છે. બાકીની બે સ્ક્વોડ્રનની ડિલિવરી રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ખોરવાઈ ગઈ હતી. જોકે, હવે આ પ્રક્રિયા ફરી પાટા પર આવી ગઈ છે અને અપેક્ષા છે કે પાંચમી અને અંતિમ સ્ક્વોડ્રન પણ આ વર્ષના અંત સુધીમાં ભારતને મળી જશે.

S-400 સુદર્શને ગયા વર્ષે મે મહિનામાં ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પોતાની અચૂક મારક ક્ષમતા સાબિત કરી બતાવી હતી. આ સિસ્ટમે પાકિસ્તાન વાયુસેનાના એક અત્યંત મહત્વપૂર્ણ સર્વેલન્સ (દેખરેખ) વિમાનને હવામાં 314 કિલોમીટરના રેકોર્ડ અંતરે તોડી પાડ્યું હતું. સપાટીથી હવામાં માર કરનારી મિસાઈલ દ્વારા નોંધાયેલો આ અત્યાર સુધીનો સૌથી લાંબી દૂરીનો ‘કિલ’ (નષ્ટ કરવાનો રેકોર્ડ) છે. આ શાનદાર પ્રદર્શનને જોતા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલએ રશિયા પાસેથી આવી જ વધુ 5 વધારાની સ્ક્વોડ્રન ખરીદવાની મંજૂરી આપી દીધી છે.

વિદેશી હથિયારો પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સમાંતર રીતે ‘સુદર્શન ચક્ર’ નેટવર્ક અને ‘પ્રોજેક્ટ કુશા’ પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ અંતર્ગત ડીઆરડીઓ સંપૂર્ણપણે સ્વદેશી લોંગ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે, જે રશિયાના S-400ની જેમ જ દુશ્મનના વિમાનો, ડ્રોન અને મિસાઈલોને લાંબી દૂરી પર ધ્વસ્ત કરવા સક્ષમ હશે. આ સ્વદેશી પ્રોજેક્ટમાં ભારતની અગ્રણી કંપની ‘સોલર ઇન્ડસ્ટ્રીઝ’ મુખ્ય પ્રોડક્શન પાર્ટનર તરીકે જોડાયેલી છે. ભારતીય વાયુસેના પોતાની આ S-400 સિસ્ટમને ‘આકાશ’ અને ‘MRSAM’ જેવી મધ્યમ અને ટૂંકી રેન્જની મિસાઈલ સિસ્ટમ્સ સાથે ઇન્ટીગ્રેટ (જોડાણ) કરી રહી છે. આનાથી ભારતના આકાશને એક એવું મલ્ટી-લેયર્ડ (બહુસ્તરીય) સુરક્ષા કવચ મળશે, જેને ભેદવું કોઈપણ દુશ્મન દેશ માટે અશક્ય બની જશે.

Exit mobile version