Site icon Revoi.in

કાંગોમાં ઇબોલાના પ્રકોપ સામે લડવા ભારતે ઇમરજન્સી દવાઓ અને તબીબી સામગ્રી મોકલી

Social Share

નવી દિલ્હી, 28 મે 2026: વિશ્વમાં ફરી એકવાર ઇબોલા વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે ભારતે હંમેશની જેમ માનવતાવાદી અભિગમ દાખવતા આફ્રિકાના દેશ કાંગોની મદદ માટે હાથ લંબાવ્યો છે. ભારતે કાંગોમાં ફેલાયેલા ઇબોલાના પ્રકોપને નિયંત્રિત કરવા અને તેના સંક્રમણને અટકાવવાના પ્રયાસોમાં સહયોગ આપવા માટે તાત્કાલિક ધોરણે કટોકટીની દવાઓ અને તબીબી સામગ્રીનો જથ્થો મોકલી આપ્યો છે.

ઇથોપિયા સ્થિત ‘આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ દ્વારા સોશિયલ મીડિયા પર આ અંગેની સત્તાવાર માહિતી શેર કરવામાં આવી છે. સંસ્થાએ જણાવ્યું છે કે, ભારત સરકાર અને ભારતના લોકો દ્વારા મોકલવામાં આવેલી આ ઇમરજન્સી તબીબી સામગ્રી યુગાન્ડામાં આવેલા ‘પૂર્વી આફ્રિકા પ્રાદેશિક સંકલન કેન્દ્ર’ ખાતે સફળતાપૂર્વક મળી ગઈ છે. અહીંથી આ સામગ્રીને કાંગોના પ્રભાવિત વિસ્તારો અને સમુદાયો સુધી વહેલી તકે પહોંચાડવામાં આવશે. ભારત દ્વારા મોકલવામાં આવેલી આ વિશેષ ઇમરજન્સી મેડિકલ કિટમાં આવશ્યક ડાયગ્નોસ્ટિક્સ , સારવાર માટેની ઇમરજન્સી દવાઓ,સંક્રમણ અટકાવવા અને નિયંત્રણ માટેના સાધનો મુજબની આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.

આફ્રિકાની સર્વોચ્ચ હેલ્થ એજન્સીએ ભારત સરકાર અને અહીંના નાગરિકોનો આભાર માનતા જણાવ્યું કે, “મુશ્કેલ સમયમાં આફ્રિકાના લોકોના જીવ બચાવવા અને સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતની આ સતત પ્રતિબદ્ધતા અને સહયોગ ખરેખર પ્રશંસનીય છે.” હાલમાં કાંગો અને તેની આસપાસના વિસ્તારોમાં ઇબોલાનો ‘બુન્ડીબુગ્યો સ્ટ્રેન’ ફેલાઈ રહ્યો છે, જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા પણ ગંભીર ગણાવવામાં આવ્યો છે. આ સ્ટ્રેન માટે હાલમાં કોઈ ચોક્કસ માન્ય રસી કે એન્ટિવાયરલ દવા ઉપલબ્ધ નથી, જેના કારણે દર્દીઓની દેખરેખ અને સંક્રમણ નિયંત્રણ જ સૌથી મોટો બચાવ છે.

આવી ગંભીર સ્થિતિમાં, વૈશ્વિક સ્તરે ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ તરીકે જાણીતા ભારતે સમયસર તબીબી સહાય મોકલીને વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ સામે લડવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ફરી એકવાર સાબિત કરી છે.

Exit mobile version