નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: ભારતે ઓડિશાના ચાંદીપુરથી અગ્નિ-3 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને પોતાની વ્યૂહાત્મક સંરક્ષણ શક્તિનું પ્રદર્શન કર્યું છે. આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડની દેખરેખ હેઠળ તમામ તકનીકી માપદંડો પર સફળ રહ્યું, જે ભારતની પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે. આ સાથે જ સેનાએ સરહદી સુરક્ષા વધારવા માટે 725 કરોડના ખર્ચે ડ્રોન અને ઓછી ઊંચાઈના લક્ષ્યોને પકડવા સક્ષમ 30 અત્યાધુનિક રડાર ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.
ભારતની સંરક્ષણ શક્તિને વધુ મજબૂત બનાવતા, અગ્નિ-3 ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ 6 ફેબ્રુઆરીએ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં મિસાઇલે નિર્ધારિત યોજના મુજબ તેના મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પરીક્ષણ દરમિયાન અગ્નિ-3 ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલના તમામ તકનીકી અને ઓપરેશનલ પરિમાણો સફળ રહ્યા હતા. આ લોન્ચ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડની દેખરેખ હેઠળ થયું હતું, જે ભારતની મહત્વપૂર્ણ સૈન્ય શક્તિની જવાબદારી સંભાળે છે. શુક્રવારે કરવામાં આવેલા આ પરીક્ષણથી સ્પષ્ટ થાય છે કે ભારતની વ્યૂહાત્મક પ્રતિરોધક (સ્ટ્રેટેજિક ડિટરેન્સ) ક્ષમતા સંપૂર્ણપણે મજબૂત અને વિશ્વસનીય છે.
જણાવી દઈએ કે અગ્નિ મિસાઈલ સિસ્ટમ ભારતીય સંરક્ષણ પ્રણાલીનો એક મુખ્ય ભાગ છે. આ અગાઉ ભારતે ‘અગ્નિ-5’ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતે ગયા વર્ષે પોતાની અત્યાધુનિક મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-5’નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ દેશની મિસાઈલ ક્ષમતામાં એક મોટી સફળતા હતી.
‘અગ્નિ-5’ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ પણ ઓડિશાના ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ, ચાંદીપુર ખાતેથી સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડની દેખરેખ હેઠળ જ સંપન્ન થયું હતું. ‘અગ્નિ-5’ મિસાઈલની માર્ગદર્શન પ્રણાલી, પ્રોપલ્શન, સ્ટેજ સેપરેશન અને ટર્મિનલ એક્યુરેસી જેવા તમામ પાસાઓની ચકાસણી અને પ્રમાણીકરણ કરવામાં આવ્યું હતું. ‘અગ્નિ-5’ની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો તે મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે. તેની મારક ક્ષમતા 5,000 કિલોમીટરથી વધુ છે. એટલે કે આ મિસાઈલ આટલા અંતર સુધીના લક્ષ્યોને વીંધવા માટે સક્ષમ છે.
આ દરમિયાન, ભારતીય સેનાએ તેની એર ડિફેન્સ અને દેખરેખ ક્ષમતા વધારવા માટે પણ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સેનાએ 30 લો-લેવલ લાઈટવેઈટ રડારની ખરીદી માટે આશરે 725 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ ખરીદી ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા હેઠળ કરવામાં આવી રહી છે, જેથી આ સિસ્ટમ વહેલી તકે સેનામાં સામેલ થઈ શકે. આ રડાર ખાસ કરીને ડ્રોન, ઓછી ઊંચાઈ પર ઉડતા વિમાનો અને નાના-ધીમા લક્ષ્યોને પકડવામાં અત્યંત અસરકારક સાબિત થશે. વર્તમાન સમયમાં ડ્રોનથી થતા જોખમોને જોતા આ નિર્ણય ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ રડાર દ્વારા સરહદો પર દેખરેખ અને એર ડિફેન્સ સિસ્ટમ અગાઉ કરતા વધુ મજબૂત બનશે.
આ પણ વાંચોઃ મહિલાની મરજી વિરુદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

