Site icon Revoi.in

રશિયાને બદલે હવે વેનેઝુએલા પાસેથી ભારત ઓઈલ ખરીદશેઃ ટ્રમ્પનો દાવો

Social Share

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં 2 ફેબ્રુઆરી, 2026ના રોજ એક નવો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના કુલ ટેરિફમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદી સાથેની ફોન પરની વાતચીત બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ઐતિહાસિક સોદાની વિગતો શેર કરી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ભારતીય ઉત્પાદનો પર લાગતો રેસિપ્રોકલ ટેરિફ 25 ટકાથી થી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત પર જે 25 ટકા વધારાનો પેનલ્ટી ટેરિફ લગાવવામાં આવ્યો હતો, તેને પણ હટાવી લેવામાં આવ્યો છે. આમ, ભારતીય નિકાસકારોને હવે સીધો 32 ટકા ટેરિફનો ફાયદો થશે.

અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે આ સમજૂતી હેઠળ: ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે અને વેનેઝુએલા પાસેથી વધારે ઓઈલ અને ઉર્જા ખરીદશે. આ પગલાથી રશિયા-યુક્રેન યુદ્ધ જલ્દી સમાપ્ત કરવામાં મદદ મળશે. ભારત અમેરિકા પાસેથી ઉર્જા, ટેકનોલોજી, કૃષિ ઉત્પાદનો અને કોલસો સહિત કુલ 500 અબજ ડોલરથી વધુના સામાનની ખરીદી કરશે. ભારત પણ અમેરિકન સામાન પરના પોતાના ટેરિફ અને અવરોધોને શૂન્ય કરવા તરફ આગળ વધશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર આ જાહેરાતને આવકારી છે. તેમણે 1.4 અબજ ભારતીયો વતી ટ્રમ્પનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે વિશ્વના બે મોટા લોકતંત્રો સાથે મળીને કામ કરે છે, ત્યારે માનવતાને મોટો ફાયદો થાય છે.” જોકે, નોંધનીય છે કે પીએમ મોદીના નિવેદનમાં ટેરિફ ઘટાડાનો સ્પષ્ટ ઉલ્લેખ છે, પરંતુ રશિયન તેલ બંધ કરવા કે 500 અબજ ડોલરની ખરીદી અંગે કોઈ સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

છેલ્લા એક વર્ષથી ભારત અને અમેરિકા વચ્ચે રશિયન તેલની ખરીદી, ઈમિગ્રેશન નિયમો અને સંરક્ષણ સંબંધોને લઈને મડાગાંઠ હતી. ગત ફેબ્રુઆરીમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાત બાદ અનેક રાઉન્ડની બેઠકો થઈ હતી. આ નવા સોદાથી હવે ભારતીય ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્મા સેક્ટરને અમેરિકન માર્કેટમાં મોટી રાહત મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સમજૂતીને બંને દેશો માટે ફાયદાકારક ગણાવી છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે ભારત પરના દંડાત્મક ટેરિફ હટાવવાથી બંને દેશો વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ અને હાઈ-ટેક સેક્ટરમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ વેગ પકડશે.

આ પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત-અમેરિકા વેપાર કરારની જાહેરાત કરી

Exit mobile version