નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: દેશની રક્ષા માટે માત્ર જવાનો જ નહીં, પરંતુ ભારતીય સેનાના તાલીમબદ્ધ પ્રાણીઓ પણ ખડેપગે સેવા આપે છે. દેશના સૌથી કઠિન અને દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા સેનાના આ ‘મૂક યોદ્ધાઓ’ નું સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લદ્દાખ અને સિયાચિન જેવા વિસ્તારોમાં અસાધારણ યોગદાન આપવા બદલ બે બેક્ટ્રિયન ઊંટ , બે ઝાંસ્કરી ઘોડા અને બે આર્મી ડોગ્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. સેનાએ આ અબોલ જીવોની નિષ્ઠા, સહનશક્તિ અને નિસ્વાર્થ સેવાને સલામ કરી હતી.
લદ્દાખના ઠંડા રણ પ્રદેશમાં તૈનાત ડબલ ખૂંધવાળા બેક્ટ્રિયન ઊંટ સેના માટે આશીર્વાદ સમાન છે. આ ઊંટ 15 હજાર ફૂટથી વધુ ઊંચાઈએ અને હાડ થીજવતી ઠંડીમાં પણ સરળતાથી કામ કરી શકે છે. તેઓ 250 કિલો સુધીનું વજન ઊંચકીને દુર્ગમ રસ્તાઓ, બરફીલા ઢોળાવો અને સીધા ચઢાણ ચડી શકે છે. ઓછા પાણી અને ઘાસચારામાં લાંબી મુસાફરી કરવાની તેમની ક્ષમતાને કારણે તેઓ લોજિસ્ટિક્સ સપોર્ટની કરોડરજ્જુ ગણાય છે.
ઝાંસ્કરી પોની એ ઘોડાની એક સ્વદેશી અને લુપ્ત થતી પ્રજાતિ છે, જે સિયાચિન ગ્લેશિયર અને અગ્રિમ ચોકીઓ પર તૈનાત સૈનિકોનો મજબૂત સહારો છે. અત્યંત વિષમ પરિસ્થિતિઓમાં પણ આ ઘોડાઓ સૈનિકો સાથે ખભેખભા મિલાવીને રાશન અને દારૂગોળો પહોંચાડવાનું કામ કરે છે. સન્માનિત થયેલા આર્મી ડોગ્સ સર્વેલન્સ, ટ્રેકિંગ અને ઓપરેશનલ ડ્યુટી માટે ખાસ પ્રશિક્ષિત છે. અલગ-અલગ વિસ્તારોમાં સૈનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અને ગુપ્ત ઓપરેશન્સને સફળ બનાવવામાં તેમનો ફાળો અમૂલ્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડમાં પણ કર્તવ્ય પથ પર આ મૂક યોદ્ધાઓનો દબદબો જોવા મળ્યો હતો. ઇતિહાસમાં પહેલીવાર શક્તિ બાણ, દિવ્યાસ્ત્ર બેટરી અને રોબોટિક ડોગ્સની સાથે બેક્ટ્રિયન ઊંટ અને ઝાંસ્કરી પોની પણ પરેડમાં સામેલ થયા હતા.
આ પણ વાંચોઃ રાજસ્થાન અને ગુજરાતમાં CBIનું ઓપરેશન: બેંક ફ્રોડમાં બે આરોપી ઝડપાયાં

