Site icon Revoi.in

અમેરિકામાં ભારતીય સેનાના મેજર પ્રભાત મિશ્રાનો ડંકો: મિલિટરી ટ્રેનિંગમાં જીત્યા બે પ્રતિષ્ઠિત એવોર્ડ

Social Share

નવી દિલ્હી, 4 જૂન 2026: ભારતીય સેનાના મેજર પ્રભાત મિશ્રાએ અમેરિકાની પ્રતિષ્ઠિત લશ્કરી તાલીમ સંસ્થામાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ઇતિહાસ રચી દીધો છે. તેમણે તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બે પ્રતિષ્ઠિત શૈક્ષણિક પુરસ્કારો પોતાના નામે કર્યા છે. મેજર મિશ્રાની આ અભૂતપૂર્વ સિદ્ધિ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંરક્ષણ સહયોગ અને વૈશ્વિક સ્તરે ભારતીય લશ્કરી અધિકારીઓની વધતી જતી શાખને રેખાંકિત કરે છે.

મેજર પ્રભાત મિશ્રાને યુએસએના કેન્સાસ સ્થિત ‘ફોર્ટ લીવનવર્થ’ ખાતે આવેલી ‘યુએસ આર્મી કમાન્ડ અને જનરલ સ્ટાફ કોલેજ’ (CGSC) ના પદવીદાન સમારોહમાં વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. કમાન્ડ અને જનરલ સ્ટાફ ઓફિસર કોર્સ દરમિયાન તેમના અસાધારણ પ્રદર્શન માટે તેમને નીચેના બે સર્વોચ્ચ પુરસ્કારો એનાયત કરાયા હતા:

બિર-બ્રુક્સ એવોર્ડ : ઉત્કૃષ્ટ ‘માસ્ટર ઓફ મિલિટરી આર્ટ્સ એન્ડ સાયન્સ’ થીસીસ માટે.
જનરલ ડગ્લાસ મેકઆર્થર મિલિટરી લીડરશીપ રાઇટિંગ એવોર્ડ: સૈન્ય નેતૃત્વ પરના ઉત્કૃષ્ટ લેખન માટે.

આ પ્રતિષ્ઠિત કોર્સ 10 મહિનાનો એક અત્યંત અદ્યતન મિલિટરી લીડરશીપ પ્રોગ્રામ છે. આ વર્ષની બેચમાં વિશ્વભરના કુલ 951 લશ્કરી અધિકારીઓએ ભાગ લીધો હતો, જેમાં 120 આંતરરાષ્ટ્રીય લશ્કરી અધિકારીઓનો સમાવેશ થતો હતો. આ તમામ દિગ્ગજો વચ્ચે ભારતીય મેજરે ટોચનું સ્થાન મેળવ્યું છે. આ કાર્યક્રમ ખાસ કરીને મધ્યમ સ્તરના લશ્કરી અધિકારીઓને ભવિષ્યની વરિષ્ઠ નેતૃત્વ ક્ષમતા અને સ્ટાફની મહત્વપૂર્ણ જવાબદારીઓ માટે તૈયાર કરે છે. સમારોહને સંબોધિત કરતી વખતે વરિષ્ઠ યુએસ આર્મી ઓફિસર જીમ આઈઝનહોવરે સેનામાં ફિલ્ડ-ગ્રેડ અધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેમની કુશળતા પર વિશેષ ભાર મૂક્યો હતો.

છેલ્લા બે દાયકામાં ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયતો, ઉચ્ચ અધિકારીઓનું આદાનપ્રદાન અને સંરક્ષણ શિક્ષણ કાર્યક્રમોના માધ્યમથી દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. લશ્કરી નિષ્ણાતો મેજર પ્રભાત મિશ્રાની આ મહાન સિદ્ધિને બંને દેશો વચ્ચેની આ જ મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીના સકારાત્મક પરિણામ તરીકે જોઈ રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ માત્ર મેજર મિશ્રા અને તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય સેનાની વ્યાવસાયિક શ્રેષ્ઠતા અને વૈશ્વિક સ્તરે ભારતના વધતા જતા કદ માટે અત્યંત ગર્વની બાબત છે.

Exit mobile version